Western Times News

Gujarati News

‘સેવ કલ્ચર – સેવ ભારત’ ફાઉન્ડેશન અને શિક્ષણ વિભાગ દ્વારા સહ આયોજિત વક્તૃત્વ સ્પર્ધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ – ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા યુવાનોમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગરૂક્તા અને વિરાસતોનું ગૌરવ પુનઃસ્થાપન કરવાનું પ્રેરણા સિંચન કરશે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાશક્તિમાં સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

યુવાશક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહવાન સાથે આ વક્તૃત્વ સ્પર્ધાનું ‘સેવ કલ્ચરસેવ ભારત’ ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારીગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિ વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કેઆપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે.

તેમણે કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવ જાગરણનો યુગ ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કૃતિને જાળવવાનું અને વિસ્તારવાનું કાર્ય કર્યું છે.

વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે સંસ્કૃતિ અને વિરાસતોની ધરોહરોની જાળવણી સાથે “વિકાસ ભીવિરાસત ભી”નું વિઝન આપ્યું છે. વિરાસતોના જતન સાથે સાંસ્કૃતિક મૂલ્ય નિષ્ઠાનું સંસ્કાર સિંચન યુવાઓમાં કરીને યુવાશક્તિના સહારે વિકસિત ભારત ૨૦૪૭નો તેમનો સંકલ્પ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે યુવાઓને આહવાન કર્યું કેવિકસિત ભારતના નિર્માણમાં તેમનો ફાળો વિશેષ રહેવાનો છે ત્યારે મૂલ્યનિષ્ઠા અને સંસ્કૃતિના વાહક બનીને હાલની વિકૃતિઓ બદીઓના પડકારોથી દેશ અને રાજ્યને બચાવવાનું દાયિત્વ યુવાશક્તિ ઉપાડે.

આ માટે યુવાનોમાં ચેતના જાગૃત કરવામાં ‘સેવ કલ્ચરસેવ ભારત’ ફાઉન્ડેશનના સરાહનીય પ્રયાસોને તેમણે સમયાનુકૂલ ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.

આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પધામાં ચારિત્ર નિર્માણથી રાષ્ટ્રનિર્માણસંવિધાન ૭૫યુવનો: દેશનું ભવિષ્ય – વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએમાન-મર્યાદા અને સુશીલતા: ભારતીય સંસ્કૃતિનો પાયો તેમજ વિકસિત ભારત ૨૦૪૭: ભવ્ય ભારત – દિવ્ય ભારત જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહિઆ સ્પર્ધામાં કોલેજ સ્તરઝોન સ્તર અને રાજ્ય સ્તર એમ ત્રી-સ્તરીય
સ્પર્ધાઓ છે.

‘સેવ કલ્ચરસેવ ભારત’ ફાઉન્ડેશનના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર તથા ભારતના પૂર્વ માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકરે સંસ્કૃતિ બચાવવામાં યુવાનોની ભૂમિકાને અગ્રીમ ગણાવી હતી તેમણે જણાવ્યું કે આ કોઈ સંસ્થા કે સરકાર એકનો નહીં જનજનનો કાર્યક્રમ છે.

યુવાનોને OTTની વિકૃતિઓ સહિતની બદીઓથી દૂર રાખીને રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર બનાવવાનું દેશનું આ એક મોટું જન આંદોલન છે એમ પણ શ્રી માહુરકરે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે યુવા શક્તિમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ જતનના સંસ્કાર  સિંચનનો આ મહાકુંભ વિકસિત ભારતની વિકાસયાત્રાને  વધુ વેગવાન બનાવશે.

પ્રારંભમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરે સૌને આવકારીને સમગ્ર આયોજનની ભૂમિકા આપી હતી. ડાયરેક્ટર હાયર એજ્યુકેશન શ્રી દિનેશ ગુરવએ આભાર દર્શન કર્યું હતું.

આ સ્પર્ધાના પ્રારંભ અવસરે મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી શ્રી ધીરજ પારેખ તેમજ રાજ્યની ૧૫ જેટલી યુનિવર્સિટીઓના કુલપતિઅધ્યાપક અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.