ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો આજથી પ્રારંભ

ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં ૧૪ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ૨૭ ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૧ દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે.
રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.’
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ ૧-૨ના ૫૫ અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે.
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ છે અને ૭ ઝોનમાં ૩૩ કેન્દ્રોમાં ૧૮૫ બિલ્ડીંગોના ૧૮૪૨ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ સા.પ્ર.માં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં ૨૬ કેન્દ્રોમાં ૧૦૦ બિલ્ડીંગોમાં ૯૩૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૭૮૫૩ વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં ૧૦ કેન્દ્રોમાં ૩૭ બિલ્ડીંગોના ૪૦૩ બ્લોકમાં પરીક્ષા લેવાશે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે કુલ ૬૯ કેન્દ્રોમાં ૯૨૭૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે ૭૦ કેન્દ્રોમાં ૧૦૧૩૫૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આમ શહેરમાં ૮૬૨૬ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ધો ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં ૩૬ કેન્દ્રોમાં ૧૪૬ બિલ્ડીંગોમાં ૧૫૩૪ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝનોમાં ૩૧ કેન્દ્રોમાં ૭૧ બિલ્ડીંગોમાં ૭૨૮ બ્લોકમાં પરીક્ષા લેવાશે.
જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં ૨૮ બિલ્ડીંગોમાં ૨૭૦ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં આ વર્ષે કુલ ૬૭ કેન્દ્રોમાં ૨૪૫ બિલ્ડીંગોમાં ૭૩૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે ૬૭ કેન્દ્રોમાં ૨૬૧ બિલ્ડીંગોમાં ૭૭૮૩૦ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં ૪૫૭૦ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. મહાશિવરાત્રીની સ્કૂલોમાં જાહેર રજા હતી પરંતુ બોર્ડ પરીક્ષાને લઈને સ્કૂલો ચાલુ રહી હતી.
વિદ્યાર્થીઓ બિલ્ડીંગ-બેઠક નંબર જોવા પહોંચ્યા હતા. દરેક સ્કૂલોને બપોરે સ્કૂલો ચાલુ રાખવા માટે આદેશ કરાયો હતો કારણકે ૨૭મીથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ-વાલીઓ બપોરે ૩થી ૫ દરમિયાન સ્કૂલે જઈને બેઠક વ્યવસ્થા-નંબર જોયા હતા.