સુટકેસમાં સાસુની લાશ ભરી ગંગામાં પધરાવવા માટે આવી પૂત્રવધુ

(એજન્સી) કોલકાતા, એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જણાવી દઈએ કે, સાસુના મૃતદેહને સુટકેસમાં ભરીને ગંગા નદીમાં ફેંકવાનો પ્રયાસ કરી રહેલી એક મહિલા અને તેની માતાની ધરપકડ કરી છે. તેમના નામ ફાલ્ગુની ઘોષ અને આરતી ઘોષ છે.
મૃતકની ઓળખ સુમિતા ઘોષ (૫૫) તરીકે થઈ છે. મંગળવારે, કોલકાતાના કુમ્હારટોલી ઘાટ પર, કેટલાક લોકોએ તેને વાદળી સૂટકેસ નદીમાં ફેંકવા માટે લઈ જતા જોઈ હતી અને શંકાના આધારે તેને અટકાવી હતી.
જ્યારે સુટકેસ ખોલવામાં આવી, ત્યારે તેમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંનેની ધરપકડ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બંને ટેક્સી દ્વારા કુમ્હરટોલી ઘાટ પહોંચ્યા હતા. પૂછવામાં આવતા તેણે કહ્યું કે, સુટકેસમાં તેના પાલતુ કૂતરાનો મૃતદેહ હતો, પરંતુ તેને ખોલતાં તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે મહિલાઓ પાસેથી લોકલ ટ્રેનની ટિકિટો મળી આવી છે, જે સિયાલદહ-હસનાબાદ સેક્શનના કાઝીપારા સ્ટેશનની છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, બંને પહેલા પ્રિન્સેપ ઘાટ ગયા હતા. ત્યાં લોકોની ભીડ જોઈને તે કુમ્હારટોલી ઘાટ પર આવી હતી.
પૂછપરછ દરમિયાન, ફાલ્ગુનીએ જણાવ્યું કે, સોમવારે સાંજે તેની સાસુ મધ્યમગ્રામમાં તેના ભાડાના ઘરે આવી હતી, જ્યાં તે તેની માતા આરતી સાથે રહે છે. તેનો તેની સાસુ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને તેણે તેને ઈંટ મારી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.