કલેશ્વરી નાળમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાયો

File
હેડંબા વન તરીકે ઓળખાતો જંગલ વિસ્તાર અને બાજુમાં આવેલો ભાદરડેમ અને ઝરમર માતા,અને અહીં વહેતાં ખળખળ ઝરણાં અને વનોની વનરાજી મન મોહક અને આંખોને અને પક્ષીઓની પાંખોને સ્થિર કરી દે તેવા આહલાદક વાતાવરણમાં આ મેળો યોજાય છે.
(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ કલેશ્વરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત કલેશ્વરી નાળ ખાતે મેળો ભરાયો હતો. મેળામાં નૃત્યો, ગીતો,નાટક, આખ્યાન, રાસ,સ્થાનિક કલાકારો દ્વારા સમૂહ વૃન્દમા અને મિત્રો સગા સંબંધી સ્નેહીજનો સાથે સ્વજનની જેમ ઉમટી પડીને સંસ્કૃતિના દુનિયાને દર્શન કરાવ્યા હતા.
મહીસાગર જિલ્લાની આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતા કલેશ્વરી નાળ સમૂહમાં પ્રકૃતિ ની ગોદમાં વસેલું નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણ સાસુ, વહુની વાવો , કલેશ્વરી માતા,શિવ મંદિર,ભીમના પગલાં, સ્નાન કુંડ અને કૂવો, તેમજ કલાત્મક કોતરણી અસલ સ્વરૂપમાં નિદોર્ષભાવે આંખોને આંજી દે છે.
હેડંબા વન તરીકે ઓળખાતો જંગલ વિસ્તાર અને બાજુમાં આવેલો ભાદરડેમ અને ઝરમર માતા,અને અહીં વહેતાં ખળખળ ઝરણાં અને વનોની વનરાજી મન મોહક અને આંખોને અને પક્ષીઓની પાંખોને સ્થિર કરી દે તેવા આહલાદક વાતાવરણમાં આ મેળો યોજાય છે.
છેલ્લા ૨૪ વર્ષથી ભરાતો ભાતીગળ અને લોકસંસ્કૃતિના સંગમ સમો એક્તા અને વિવિધતાના દર્શન કરાવતો બહુઆયામી ભાષા બોલી પહેરવેશનો પરચો આપતો અદભુત મેળો લોકોના ઉત્સાહ ઉમંગ અને આનંદની આસીમ ઘડીઓનો પ્રાકૃતિક નઝારો છે.દર વર્ષની જેમ પરંપરાગત કલેશ્વરી શિવરાત્રી મેળો ભરાયો હતો.
આસપાસના પડોશી રાજ્યની જનજાગૃતિ સમુદાયો તેમજ અન્ય સમાજના લોકો આ મેળામાં મન ભરીને નજરે નજીકથી નિહાળી ધન્યતા અનુભવી હતી.જેમા દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ મેળાને માણવા માટે આવી પહોંચ્યા હતા ટેબલેટ, કેમેરામાં અને મોબાઈલ દ્વારા પરંપરાગત કલાના નજારાને કેદ કરતા ઠેર-ઠેર લોકો નજરે પડતાં હતાં.
આ મેળામાં કલાકારો, ચિત્રકારો,કવિઓ, સાહિત્યકારો, અને કલા કસબીઓએ લોકો ને કામણ પાથરી હતી.સમાજ મેળો અને નિરંતર શિક્ષણ મૌખિક પરંપરાના વાહકો તેમજ લેખિત પરંપરાના જાણકારોએ આ બાબતે ચર્ચા રજૂ કરી હતી.કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મહીસાગર પોલીસ પ્રશાસન દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.