ધર્મ દાન કરવાથી જે પુણ્ય મળે છે તેવું પુણ્ય માનવ સેવા કરવાથી પણ મળી શકે છે.

પ્રતિકાત્મક
ધર્માચરણમાં દાનનો મહિમા-અમુક કિર્તિલોલુપ સાધુઓ શ્રાવકોને નવા દેરાસરો, અપાસરા અને સંકુલો જેવા જુદા જુદા પ્રોજેકટ મૂકીને બનાવવાનો આગ્રહ કરતા હોય છે.
મનુષ્ય તરીકે જન્મ લેવો તે ભાગ્યને આધીન છે પરંતુ જૈન પરિવારમાં જન્મ મળવો તે નસીબવંતુ ગણાય છે. જૈન ધર્મમાં જયણા ઘણી બધી પાળવાની હોય છે. ‘જેવી કરણી તેવી ભરણી’ એ ઉક્તિ મુજબ કર્મનું બહું મહત્વ છે. જૈન ધર્મમાં ત્યાગવૃતિની મહત્તા બહુ જ રહેલી છે. તપશ્ચર્યા પણ આકરી પાળવામાં આવે છે. રાત્રિભોજનનો ત્યાગ અને કંદમૂળનો નિષેધ પણ આવરી લેવાયો છે દીક્ષા લેવાની ભાવના કોઇ પણ વયે થઇ શકે છે.
દીક્ષાર્થીને કેવળ જ્ઞાન લાધે એના માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને તે જીવ ચોરાશી લાખનાં ફેરામાંથી મુક્ત થઇ જાય છે. દીક્ષા પર્યાયમાં જેટલો ધર્મ પળાય છે તેટલો ધર્મ સંસારમાં રહીને કરવો એ અતિ કપરું છે. સંસારમાં રહીને ગમે તેટલી જયણા પાળો તે છતાં ડગલે ને પગલે જાણતા કે અજાણતા સંસારીથી આશાતના થવાની શક્યતા રહે છે
પરંતુ દીક્ષા પર્યાયમાં ઘણી મર્યાદાઓ હોવાથી છ કાયના જીવોની વિરાધનાથી બચી શકાય. આજના આધુનિક જમાનામાં ભૌતિક સુખને નેવે મૂકીને તથા સંસાર ત્યજી દઇ દીક્ષા ગ્રહણ કરીને બધી જ જયણા પાળવામાં ઘણી જ સરળતા રહે છે તેમ જ તે આત્મા ઘણા ઉંચા સ્તરમાં રહે છે. દીક્ષા લેવાથી સાધુ તથા સાધ્વીજીઓ ઘણી આચારસંહિતા પાળી પોતાના આત્માને પ્રભુમય બનાવી દે છે.
આધુનિક જમાનામાં ભૌતિક સુખ ડગલે ને પગલે જોવા અને માણવા મળે છે અને અમુક સંસારી લોકો તેમા રચ્યા પચ્યા રહેવામાં આનંદ મેળવે છે. ટેલિવીઝન તથા ચિત્રપટના અમુક દ્રશ્યો, અખબાર તથા સામાયિકની અમુક જાહેરખબરો લોકોના મનને વિચલિત કરી મૂકે છે.
આધુનિક જમાનાનો રંગ લાગતા પરિવર્તનનો પવન ફૂંકાતા આજના અમુક શ્રાવકોમાં અને અમુક સાધુઓમાં પણ શિથિલતા જોવા મળે છે અને આચરણમાં કક્ષા નીચે ઉતરતી જણાય છે.
એક સમયે સ્વેચ્છાએ થતી ધાર્મિક પ્રવૃતિઓમાં આજકાલ દેખાદેખી જોવા મળે છે. લોકોમાં દેખાડો કરવામાં સ્પર્ધા થતી જોવા મળે છે. અમુક કિર્તિલોલુપ સાધુઓ શ્રાવકોને નવા દેરાસરો, અપાસરા અને સંકુલો જેવા જુદા જુદા પ્રોજેકટ મૂકીને બનાવવાનો આગ્રહ કરતા હોય છે. આનો મૂળ હેતુ તેમનું પોતાનું નામ ગાજતું રાખવાનો આશય હોય તેવું લાગે છે.
કેટલાક શ્રાવકો પોતાની નામના મેળવવા બોલી બોલતા હોય એવું લાગે છે. આમા દાનનો મૂળ હેતુ માર્યો જતો હોય તેમ લાગતું નથી? ઘણા ગામોમાંથી લોકો કામાર્થે અથવા ધંધાર્થે હિજરત કરીને શહેરમાં વસવા લાગ્યા હોવાથી ગામડાંઓમાં વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો તથા ગામડાંઓમાંથી જૈન લોકો પણ દૂર દૂર શહેરમાં વસવા જતાં ગામડાંઓમાં રહેલા દેરાસરોમાં પૂજા – દર્શનનો લાભ લેવાનો ઓછો થતો ગયો.
હમણાં હમણાં ઘણા ગામોમાં દેરાસરો અસ્તિત્વ હોવા છતાં તે ગામોમાં પાંચથી દસ જૈન કુટુંબો માંડ વસતા હશે. એ દેરાસરોમાં ભવ્ય મૂર્તિઓ હોવા છતાં ઘણા લોકો દર્શન તથા પૂજાથી વંચિત રહી જાય છે.
એ ગામોમાં દેરાસરોમાં જિર્ણોધારની જરૂર હોવા છતાં લોકો જીર્ણોધ્ધાર કરાવવામાં રસ લેતા નથી જ્યારે શહેરોમાં તથા હાય વે રસ્તા પર ઠેર ઠેર નવા દેરાસરો બનાવાતા જાય છે અને ઘણા દેરાસરોમાં પુજા થતી હશે કે નહિ કે મૂર્તિઓ અપૂજ રહેતી હશે અથવા પૂજારીઓ જ પૂજા કરતાં હશે તેવું લાગે છે.
જે દેરાસરો અસ્તિત્વમાં છે પણ જે દેરાસરો જર્જરિત થઇ ગયાં છે તેમાં જ જિર્ણોધાર તથા સુશોભિતકરણ કરવાથી દેરાસર વધારે ભવ્ય બનાવી શકાય છે જેથી નજીકના તથા દૂરના લોકો તે દેરાસરનો લાભ લેવાનું ચૂકે નહિ.
શહેરમાં લોકો અપાસરાઓ, નવા દેરાસરો બનાવવામાં તથા સંકુલો બનાવવામાં ‘બોલી’ બોલીને પૈસા લખાવે છે એ પણ નાની એવી રકમ નહિ પરંતુ મસમોટી રકમો લખાવાય છે. તેની સાથે સાથે એ ગામમાંથી હિજરત કરી ગયેલા લોકોમાંથી અમુક લોકો ધર્મમાં પૈસા ખરચવા તૈયાર હોય તો તેઓએ શહેરમાં રહેતા તેમનાં ગામવાસીઓને જે લોકો શહેરમાં પણ પગભર થઇ શકતા નથી
પરંતુ તેઓને પોતાના ગામમાં પાછાં વાળવા તેઓને ગામમાં ઘર કે દુકાન બનાવી ધંધાર્થે પૈસા આપી પુનઃવસવાટ કરાવવામાં મદદરૂપ બને તો એ લોકો ગામમાં રહી પોતાના પગ પર ઉભા રહી કમાઈ શકે તથા દેરાસરો તથા અપાસરાનો પણ લાભ લઇ શકે અને પરગામથી પણ લોકોને દર્શન કરવા આવવાનું મન થાય. આ અંગે સમાજના વિચારશીલ આગેવાનોએ અને શ્રાવકોએ પુનઃવિચાર કરવો અનિવાર્ય છે.
આજે વસ્તી વધારો થવાથી શાળા, કોલેજો અને હોસ્પીટલોની ઘણી અછત વર્તાય છે તેથી તેની સંખ્યામાં વધારો કરવાની આવશ્યકતા પણ ઊભી થઇ છે. ધર્મમાં પૈસા વાપરવાની સાથે સાથે લોકો હોસ્પીટલ તથા શાળા અને કોલેજો તથા પ્રયોગશાળા અને મેડિકલ કોલેજો બનાવવામાં કે વિકસાવવામાં ફાળો પણ આપે તો જનસમુદાયને ઘણો જ લાભ મળતો રહે અને આમા દાન આપવું તે પણ માનવ સેવા જ ગણાય છે.
ધર્મ દાન કરવાથી જે પુણ્ય મળે છે તેવું પુણ્ય માનવ સેવા કરવાથી પણ મળી શકે છે. ‘આ લેખમાં કોઈ પણ સાધુઓ તથા કોઈ પણ શ્રાવકોની નિંદા કરવાનો મારો જરી પણ ઈરાદો નથી. આ લેખમાં મેં મારા અંગત વિચારો દર્શાવ્યા છે જેથી મારાથી કોઇને પણ દુઃખ થયું હોય તો હું માફી માગુ છું.’