શાળાઓમાં વિદ્યાર્થીઓના તમાશા હવે સ્કુલ સંચાલકો માટે માથાનો દુઃખાવો

શિક્ષણ વર્ગખંડમાં કંઈ કહી શકતા નથી અને માતા-પિતા ઘરે બાળકોને કહી શકતા નથી-આજે બાળક તેના મમ્મી પપ્પાનો પરિચય આપી શકતો નથી.
શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે-શાળા સ્તરે વિદાય પાર્ટીના નામે વિદ્યાર્થીઓના તમાશા સામાન્ય થતાં જાય છે.
થોડા દિવસ પહેલાં સુરતની બે શાળાઓમાં વિદ્યાર્થીઓએ જાહેરમાં કરલા તમાશા ચર્ચાનો વિષય બન્યો છે. એક મોટી શાળાના બાળકો ફેરવેલ પાર્ટીના નામે ખૂબ મોટી સંખ્યામાં વૈભવી કારના કાફલા સાથે શાળાએ પહોંચ્યા હતા. રસ્તામાં વૈભવી કારોનો મોટી કતાર જેવા લોકો ટોળે વળ્યા હતા.
હજુ ધો.૧૦ કે ધો.૧રના વિદ્યાર્થીઓ કે જેમને હજુ કાર ચલાવવાના લાયસન્સ પણ નથી અને કાર લઈ જાહેરમાં મોટો તમાશો કર્યો ત્યારે બાળકોના શિસ્ત કરતાં શિસ્ત અને કેળવણી અંગે ચિંતા થાય તે સ્વાભાવિક છે. આ તમાશાની જાહેરમાં ટીકાઓ થઈ પોલીસે પગલાં પણ લીધા તેમ છતાં બીજી એક શાળાના બાળકો પણ વૈભવી કાર લઈને સ્કૂલ પહોંચ્યા અને સનરૂફમાંથી વિદ્યાર્થીઓ સ્મોગ ગન લઈને જગજાહેર, ફિલ્મસ સ્ટાઈલમાં શો-બાજી કરી રહ્યા હતા.
લોકો રસ્તા પર જોતા રહ્યા હતા. આ બાળકો કોલેજના વિદ્યાર્થીઓ હતા. હજ શાળામાં ભણતા નાના બાળકો છે ત્યારે પ્રશ્ન થાય કે આમાં કેળવણી ક્યાં છે ? હવે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. શિક્ષણ એ કેળવણીનો ભાગ છે. પરંતુ હવે માત્ર શાળા નહીં માતા-પિતા અને પરિવારે પણ બાળકના ઘડતરમાં વિશેષ ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે.
માત્ર શાળાનું શિક્ષણ પૂરું નથી. કેળવણી માટે પરિવારે સંસ્કારોનું સિંચન કરવા જાગૃત અને ઘડતર માટે સક્રિય રહેવું પડે તેમ છે. નહીંતર આ રોકટોક વગરની પેઢી જાહેરમાં તમાશા કરવા સામાન્ય વાત બની જશે. રોડ ઉપર કેક કાપવી, હસી મજાક કરવી કે ધૂમ સ્ટાઈલમાં બાઈક કે કાર ચલાવવી તે આજના યુવાનોનો શોખ થતો જાય છે.
માત્ર સુરતની શાળામાં જ નહીં રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓના તમાશા હવે શાળાઓ માટે માથાનો દુઃખાવો છે પરંત એક પ્રશ્ન એ થાય કે બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવું જોઈએ ? અને વિદાય શુભેચ્છા સમારંભ યોજવો હોય તો તેમાં ડીજે કે બેન્ડબાજા કે નાચવાનું કેમ રાખવામાં આવે છે ?
એક સંચાલકે એમ પણ કહ્યું કે, અમે શાળામાં જો કાર્યક્રમ ન રાખીએ તો વિદ્યાર્થીઓ જાતે ફેરવેલ પાર્ટી ગોઠવતા હોય છે. આ રોકટોક વગરની પાંગરી રહેલી નવી પેઢી હવે પોતાની ઈચ્છા મુજબ જ જીવવા માંગે છે. પહેલાં કોલેજમાં ફ્રેશર માટે વેલકમ પાર્ટી કે વિવિધ ડે ઉજવણીના કાર્યક્રમો રાખવામાં આવતા હતા.
હવે તે ઓછું થયું છે પરંતુ શાળા સ્તરે વિદાય પાર્ટીના નામે વિદ્યાર્થીઓના તમાશા સામાન્ય થતાં જાય છે. વિદાય શુભેચ્છા કાર્યક્રમ જરૂરી પણ છે યોજવા જોઈએ પરંતુ તે બોર્ડની પરીક્ષા આપવાના છે તેવા બાળકો માટે શાંત, પ્રેરણાત્મક અને ફ્રેશ થવાય તેવા હોવા જોઈએ.
કોઈ કાર્ય લાંબો સમય કરે તો વ્યક્તિ અનુભવી બને છે. નિયમિત કસરત કરે તો વ્યક્તિ સશક્ત કે પહેલવાન બને છે. જો શિક્ષણ મેળવે તો વ્યક્તિ તજજ્ઞ કે નિષ્ણાંત બને છે પરંતુ જો કેળવણી આપવામાં આવે તો વ્યક્તિ માણસ બને છે. શાળામાં અપાતું શિક્ષણ પણ કેળવણીનો ભાગ છે. પરંતુ બાળક ખરા અર્થમાં કેળવાતું નથી. ખરી કેળવણી સંસ્કારથી થાય છે. સંસ્કાર પરિવારમાંથી મળે છે.
આપણે જોઈએ છીએ અને માની પણ લીધું છે કે શાળા-કોલેજ આપે તે શિક્ષણ છે તથા પરિવાર અને પરંપરામાંથી મળે તે સંસ્કાર છે. ખરેખર તો શિક્ષણ અને સંસ્કાર સાથે મળે ત્યારે કેળવણી શરૂ થાય છે. આમ શિક્ષણ અને કેળવણી તે જુદા પાડવા વધુ મુશ્કેલ છે. ખરેખર શિક્ષણ એટલે કેમ પાસ થવું તેની કેળવણી છે અને કેળવણી એટલે જીવન કેમ જીવવું તેનું શિક્ષણ છે.
નવી પેઢી જૂની પેઢી વિચાર અને માન્યતાથી જુદી હોય તો સ્વીકારવું જોઈએ પરંતુ કેવી હોવી જોઈએ ? તે અગત્યનું છે જે પણ ઘટના બની રહી છે. વ્યસનના રવાડે ચઢી પેઢી બરબાદીના સ્તરે છે. પૈસા માટે કોઈપણ ગુનો કરવા તૈયાર થઈ જાય છે. આવું કલ્ચર થવાનું કારણ રોકટોક વગર પેઢી મોટી થઈ રહી છે. શિક્ષણ વર્ગખંડમાં કંઈ કહી શકતા નથી અને માતા-પિતા ઘરે બાળકોને કહી શકતા નથી.
શિક્ષક અને માતા-પિતા કહેવું હોય પણ કહી ન શકે તેવી પરિસ્થિતિમાં પેઢી બેફામ બનતી જાય છે. જે સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં મોટો પડકાર બની રહી છે. શાળા અને કોલેજો પાસે શિક્ષણ સાથે કેળવણી મળે તેવી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. હોવી પણ જોઈએ પરંતુ શાળા પરીક્ષા સિવાય અન્ય પ્રવૃત્તિઓ કરાવી પણ શકતી નથી તે દુઃખદ બાબત છે.
સમૂહ કાર્ય કે શ્રમ કાર્ય કરાવે તો શાળાઓએ ગુનો કર્યો હોય તેવું વાતાવરણ બને છે. શૈક્ષણિક પ્રવાસો હવે ઈતિહાસ બની ગયા છે. કોઈ સ્પર્ધા કે અન્ય પ્રવૃત્તિની તૈયારી કરાવે કે તેના માટે કોઈ ફી માંગવામાં આવે ત્યારે બાળકનું ભણતર બગડે છે તેમ કહી સહકાર આપતા નથી. ટકા મેળવવા વધુ ફી ભરશે, ડબલ ટયુશન પણ રખાવશે પરંતુ ઘડતર માટેની પ્રવૃત્તિઓમાં વાલી તરફથી હકારાત્મક સહકાર નથી તે પણ યોગ્ય નથી.
શાળાઓ પાસે આપણી અપેક્ષા શું હોવી જોઈએ તે સમજવાની જરૂર છે. શૈક્ષણિક તંત્ર એટલે કે બોર્ડને બધા બાળકો પાસ થાય તેવી અપેક્ષા હોય છે. માતા-પિતાને બાળકો વધુ ગુણ લાવે તેવી અપેક્ષા છે. જ્યારે સમાજ શાળા-કોલેજો પાસે એવી અપેક્ષા રાખે છે કે નવી પેઢી સારા નાગરિક બને આ અપેક્ષાઓ વચ્ચે બાળક બિચારો ગૂંચવણ અનુભવે છે તેને ખબર જ નથી કે મારે શાળા પાસેથી શું મેળવવાનું છે.
શિક્ષક પણ પરીક્ષામાં પાસ થાય તે સિવાય અન્ય બાબતો પણ ભણાવી શકતો નથી. વર્તમાન સમયની આ પરિસ્થિતિને કારણે શિક્ષણ સાથે કેળવણી થઈ શકતી નથી. શિક્ષણ સાથે જીવન મૂલ્યોને મહત્ત્વ આપવું તે કેળવણી છે. શિક્ષણનો મૂળ હેતુ કેળવણી જ છે પરંતુ ધીરે-ધીરે શિક્ષણનો હેતુ પરીક્ષાનો ગુણ થઈ ગયો પરિણામે કેળવણીને મહત્ત્વ આપવાનું ઓછું થતું ગયું છે.
સ્વામી વિવેકાનંદજીના મતે આત્મવિશ્વાસ સાથે પોતાના પગ પર ઊભા રહી શકે તેવું ઘડતર કરે તે શિક્ષણ છે. ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેના મતે સુષુપ્ત શક્તિને જાગૃત કરે તે ખરું શિક્ષક છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામ સાહેબ પણ કહેતા કે સમય સાથે બદલાવવા અને ટકી રહેવાની ક્ષમતા કેળવે તે શિક્ષણ છે. રાષ્ટ્રની પ્રગતિનો આભાર શિક્ષણ છે જે નાગરિકોનું ઘડતર કરે છે.
નાગરિકોનું ઘડતર કરતી શાળાઓમાં વિદ્યાર્થીઓ જાહેરમાં પૈસાનું પ્રદર્શન કરી તમાશા કરે ત્યારે શિક્ષણની રાષ્ટ્રીય ચેતના ઝાંખી પડે છે. બેન્કીંગ સિસ્ટમ માટે બિલ ગેટસે ખૂબ સરત વાત કરી હતી કે આ ડિજિટલ યુગમાં બેન્કની જરૂર નથી બેન્કીંગની જરૂર છે તેમ હવે માત્ર પરીક્ષાનું જ્ઞાન જ મળવાનું હોય તો સ્કૂલની જરૂર નથી. શિક્ષણની જરૂર છે. તે હવે સોશિયલ મીડિયાથી મળી શકે છે.
તાજેતરમાં સીએ ઈન્ટર મિડિયેટમાં ટોપર આવેલ વિદ્યાર્થીએ કહ્યું કે, મેં એઆઈના ઉપયોગથી તૈયારી કરી હતી આમ વિદ્યાર્થીઓના તમાશા શાળાનું મહત્ત્વ ઘટાડે છે જે જીવન ઘડતર માટે જરૂરી છે. તે શાળાઓમાં આપી શકે તેમ નથી તેમાં શાળાનો દોષ નથી માત્ર પરીક્ષાના ગુણ કેન્દ્રમાં છે. વાલી અને બાળકની અપેક્ષાઓ અને વર્તન શાળાઓને નિષ્પ્રાણ બનાવે છે. આજે બાળક તેના મમ્મી પપ્પાનો પરિચય આપી શકતો નથી.
સૌપ્રથમ માતા-પિતા બાળકના આદર્શ બને, પરિવિાર જ શાળા બને અને બાળકના ઘડતર માટે કાળજી લે તે ઉપરાંત, જન-સમાજ પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડે તો બાળકનું માનવ મૂલ્ય સાથેનું ઘડતર કરી શકાય તેમ છે. સમુદ્ધિનો બેફામ દેખાડો બાળકના મનમાં ખોટા સ્વપ્ન રોપે છે. પૈસા નહીં આરોગ્ય અને જીવનમૂલ્યો મહત્ત્વના છે તે સમજવાની જરૂર છે.