આંધ્રપ્રદેશમાં મંદિર જતાં ભક્તો પર જંગલી હાથીઓનો હુમલો, ત્રણનાં મોત

તિરૂપતિ, આંધ્રપ્રદેશના અન્નામય જિલ્લામાં હૃદય કંપાવનારી ઘટના બની છે. અહીં જંગલી હાથીઓના ટોળાએ ત્રણ શ્રદ્ધાળુઓને કચડી નાખતા મોત કરૂણ નીપજ્યા છે.
મંગળવારે વહેલી સવારે ઓબુલાવારીપલ્લે મંડળના ગોંડલાકોના નજીકના જંગલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.રાત્રે ૨ વાગ્યાની આસપાસ શિવરાત્રિ ઉજવણી માટે સ્થાનિક મંદિર જઈ રહેલા ભક્તોના જૂથ પર જંગલી હાથીઓએ હુમલો કર્યાે હતો.
જેમાં વાય કોટાના ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.આંધ્રપ્રદેશમાં તાજેતરના મહિનાઓમાં માનવ-હાથી સંઘર્ષની અનેક ઘટનાઓ જોવા મળી છે.
તમિલનાડુ અને કર્ણાટકની સરહદે આવેલા રાયલસીમા જિલ્લાઓમાં જંગલી હાથીઓની અવર-જવર વારંવાર જોવા મળે છે. ચિત્તૂર અને તિરુપતિ પ્રદેશોના જંગલોમાં તાજેતરમાં જંગલી હાથીઓની અવરજવર વધુ જોવા મળી છે. ગયા મહિને પડોશી રાજ્યોમાંથી જંગલી હાથીઓના બે ટોળા શેષાચલમના જંગલોમાં ઘૂસી ગયા હતા.
૧૮ જાન્યુઆરીના રોજ ચિત્તૂર જિલ્લાના કંદુલાવારીપલ્લીમાં જંગલી હાથીઓએ એક વ્યક્તિને કચડી નાખતા તેનું મોત નીપજ્યું હતું.વન અધિકારીઓ કહે છે કે જંગલોમાં ઘટતા સંસાધનો અને રહેઠાણના અભાવે હાથીઓ માનવ વસાહતોમાં આવી ગયા છે, જેના પરિણામે પાક, મિલકત અને જીવનને નોંધપાત્ર નુકસાન થયું છે.
૨૦૧૧થી અવિભાજિત ચિત્તૂર જિલ્લામાં હાથીઓના હુમલામાં ૨૨ લોકો માર્યા ગયા છે. ૨૦૧૫થી આ પ્રદેશમાં કુલ ૨૩૩ એકર પાકનું નુકસાન થવાનો અંદાજ છે.SS1MS