સુરતઃ કુખ્યાત ખંડણીખોર બિલ્લાની જાહેરમાં હત્યા
મણિનગર છાપરા રોડ પાસે પહોંચતાં ચાર યુવાનોએ આવી તેની કારને રોકીને પાંચ રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દીધી
સુરત, સુરતથી તડીપાર થયેલા કુખ્યાત વસીમ મીરજા ઉર્ફે વસીમ બિલ્લાની ગઇકાલે મોડી રાત્રે નવસારી ખાતે હત્યા થઇ જતા સનસનાટી મચી ગઇ હતી. વસીમ બિલ્લા નવસારીનાં છાપરાં રોડ ખાતે મણિનગર પાસે કારમાં પસાર થતો હતો ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને ઉપરાછાપરી પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.
વસીમની છાતીના ભાગે ધડાધડ ગોળીઓ ધરબાઇ જતાં તેનું કારમાં મોત થયું હતું. બિલ્લાની હત્યાને લઇ સુરતના ગુનાખોરી આલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ઝાંપા બજાર ખાતે રહેતા વસીમ મીરજા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ભાઈગીરી અને ખંડણી ઉઘરાવતો હતો. સુરત પોલીસે તેને તડીપાર કરતાં તે નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો. ગઇકાલે વસીમ કાર લઈને નવસારીનાં છાપરાં રોડ ખાતે ગયો હતો, જ્યાં તેના પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.
વસીમની સુરતના શખ્સ સાથે રૂ.પાંચ કરોડની લેતીદેતીના મામલે ચાર લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘર પાસે આવવા નીકળ્યો હતો ત્યારે મણિનગર છાપરાં રોડ પાસે પહોંચતાં ગેટ પાસે આ ચાર યુવાનોએ આવી તેની કાર અટકાવીને પાંચ રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દીધી પછી તે ફરાર થઈ ગયા હતા. રાત્રિના અંદાજે ૧૦.૪૫ વાગ્યાની ઘટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી. બનાવને પગલે સુરતમાં ભારે ચકચાર મચી ગઇ હતી.