વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો શુભારંભ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ- દાદરા નગર હવેલીમાં આજે તા.૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા ધો. ૧૦ અને ધો.૧૨ બોર્ડના કુલ ૪૯૮૪૯ વિદ્યાર્થીઓની પરીક્ષાનો શુભારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ માનસિક તનાવ વિના હળવાફૂલ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરાયુ હતું.
વલસાડ શહેરની બાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજેશ્રી એલ.ટંડેલે વિદ્યાર્થીઓને કુમકમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી ચોકલેટ વડે મો મીઠુ કરાવી ઉમેળકાભેર સ્વાગત કર્યુ હતું.
કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સિવાય અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
વલસાડની આરએમવીએમ સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ અર્પણ કરી પ્રેમ અને સ્નેહ સાથે આવકાર આપ્યો હતો. વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પરીક્ષાર્થીઓને ‘‘બેસ્ટ ઓફ લક’’ કહી વલસાડ જિલ્લા પોલીસ હંમેશા વિદ્યાર્થીઓની મદદ માટે હાજર હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
દરેક વિદ્યાર્થી કોઈ પણ ચિંતા કે ભય વગર આ પરીક્ષા આપી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવી પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ધો. ૧૦માં ૩૦૮૨૫ વિદ્યાર્થીઓ ૨૯ કેન્દ્રમાં આવેલી ૮૯ બિલ્ડિંગના ૧૦૭૩ બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૧૩૨૮૧ વિદ્યાર્થીઓ ૧૫ કેન્દ્રમાં આવેલી ૩૮ બિલ્ડિંગના ૪૨૯ બ્લોકમાં અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૫૭૪૩ વિદ્યાર્થીઓ ૮ કેન્દ્રમાં આવેલી ૨૪ બિલ્ડિંગના ૨૯૨ બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે.
આમ, સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ-દાનહમાં કુલ ૪૯૮૪૯ વિદ્યાર્થીઓ કુલ ૫૨ કેન્દ્રમાં આવેલી ૧૫૧ બિલ્ડિંગના ૧૭૯૪ બ્લોકમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.