20 વર્ષ પહેલાં કોન્સ્ટેબલની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરનારને પોલીસે ઝડપ્યો

સુરતથી ઉચ્છલ સુધીના હાઈવે પર શિયાળામાં લૂંટ અને હત્યાઓ કરતી હતી- સુરતમાં ર૦૦૪માં ક્રૂર હત્યા કરનાર ખૂંખાર પારધી ગેંગનો સૂત્રધાર પકડાયો
સુરત, ર૦૦૪માં ઉચ્છલ હાઈવે પર લૂંટ કરનાર ખૂંખાર પારધી ગેંગ દ્વારા કોન્સ્ટેબલ મધુકર રામદાસની હત્યા કરી દેવાઈ હતી. આ ગુનામાં ઝડપાયા બાદ બે વખત પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલી બુલડાણાની આ ગેંગના ચાર સભ્યો પૈકી એકને પંદર વર્ષ બાદ પરત ઝબ્બે કરવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા ત્રણ મહિનાથી મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા વૈરાગગઢ ગામ તથા તેની આસપાસ વોચ ગોઠવીને બેઠી હતી. પોલીસને ખૂંખાર પારધી ગેંગની શોધ હતી.
આ ગેંગ ર૦૦૪માં સુરતથી ઉચ્છલ સુધીના હાઈવે પર શિયાળામાં લૂંટ અને હત્યાઓ કરતી હતી. બે વ્યક્તિઓની હત્યા ઉપરાંત ર૦૦૪માં ઉચ્છલ આઉટ પોસ્ટ પર તેમનો સામનો કરનાર કોન્સ્ટેબલ મધુકર રામદાસની પથ્થરના ઘા ઝીંકી તેની પણ હત્યા કરી નાંખી હતી.
આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા હરીમણ ભોંસલે સહિતના ચાર આરોપીઓ ર૦૦૮માં પાલેજ પાસે તથા પરત પકડાયા બાદ ર૦૧રમાં સચિન પાસે પોલીસ મોબાઈલ વાનમાંથી ભાગી છૂટયા હતા.