અસારવા BJPના કોર્પોરેટરોએ AMCની સબ ઝોનલ ઓફિસને તાળાબંધી કરી

નીલકંઠ મહાદેવ અસારવા પાસે રોડની ચાલુ કામગીરી દરમ્યાન બાળકીને કરંટ લાગવાની ઘટના બની હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના અસારવા વિસ્તારમાં પ્રજાકિય કામો ઝડપથી થતા નથી તેમજ કાઉન્સિલરોના ફોન પર રીસીવ થતાં નથી તેવો રોષ કોર્પોરેટરોના મનમાં ઘણા સમયથી જોવા મળ્યો છે.
અધુરામાં પુરું રવિવારે આ વિસ્તારની એક ચાલીમાં કોર્પોરેશનનું કામ ચાલી રહયુ હતું તે સ્થળે નાની બાળકીને કરંટ લાગ્યો હતો જેના કારણે કાઉન્સિલરોનો રોષ બમણો થયો હતો અને તેના પડઘા સોમવારે પડ્યા હતાં.
અસારવાના ચારેય કાઉન્સિલરોએ એકત્રિત થઈ સબ ઝોનલ ઓફિસને તાળાબંધી કરી હતી જોકે વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે રવિવારે ફરિયાદનું નિવારણ થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે ચુંટણી સમયે જ કોર્પોરેટરો જાગૃત થયા હોવાથી તેને કેટલાક લોકો અલગ સ્વરૂપે પણ જોઈ રહયા છે. નોંધનીય બાબત એ છે કે ચાર પૈકી ત્રણ કાઉન્સિલરોએ વર્તમાન નાણાંકિય બજેટમાં તેમનું ૧૦૦ ટકા બજેટ પણ ખર્ચ કર્યું નથી.
અસારવા સબ ઝોનલ ઓફિસને ભાજપના કોર્પોરેટરોએ તાળા મારી દીધા. અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપતા ને કામગીરી ન થતા હોવાને પગલે કોર્પોરેટરોમાં ભારે રોષ ફેલાતાં ઓફિસના તાળા મારી દીધા હતા. કાઉન્સિલરો એ છેલ્લા ૪ વર્ષ થી વોર્ડ લેવલે ફરજ બજાવતા અધિકારીઓ તેમના ફોન રિસીવ કરતા નથી તેમજ નાગરિકો ના કામ સમયસર કરતા નથી તેવા આક્ષેપ સાથે રોષ પણ વ્યકત કર્યો હતો.
અસારવાના આસી.કમિશનર પ્રયાગ સોનીના જણાવ્યા મુજબ રવિવારે નીલકંઠ મહાદેવ અસારવા પાસે રોડ ની ચાલુ કામગીરી દરમ્યાન કરંટ લાગવાની ઘટના બની હતી. જે બાબતે કાઉન્સિલરો દ્વારા ડે. મ્યુનિસિપલ કમિશનર, આસી. મ્યુનિસિપલ કમિશનર, એડીશનલ સિટી ઇજનેર ને જાણ કરવામાં આવી હતી અને ટીમ દ્વારા તુરંત એક્શન લેવામાં આવ્યા હતા.
જેમાં તાત્કાલિક ધોરણે ટોરેન્ટની ટીમ, લાઈટ ખાતાની ટીમ અને કોન્ટ્રાકટરની ટીમ દ્વારા મુલાકાત લઈ સ્થાનિક પ્રોબ્લેમ દૂર કરવામાં આવ્યો હતો અને કાઉન્સિલરો ની ફરિયાદનુ નિરાકરણ ગઇકાલે જ કરી દેવામાં આવ્યુ હતું.