ભારતની બી ટીમ સામે જીતવું પણ પાક. માટે કઠીનઃ ગાવસ્કર

નવી દિલ્હી, આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમનો ભારત સામે શરમજનક પરાજય થયો ત્યાર બાદ મોહમ્મદ રિઝવાનની ટીમની સતત ટીકા થઈ રહી છે તેમાં હવે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ તેમાં ઝુકાવ્યું છે.
ગાવસ્કરનું માનવું છે કે હાલના સંજોગોમાં તો એમ લાગે છે કે ભારતની બીજા દરજ્જાની ટીમ પાકિસ્તાનને હરાવે તો નવાઈ લાગવી જોઇએ નહીં. આ ટીમ ભારતની બી ટીમ સામે પણ સંઘર્ષ કરતી જોવા મળી શકે છે.૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની રનર્સ અપ ભારતીય ટીમે રવિવારે રમાયેલી મેચમાં વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.
ગાવસ્કરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે ભારતની કોઈ બી ટીમ પણ ચોક્કસપણે પાકિસ્તાનને ટક્કર આપી શકે તેમ છે અને વર્તમાન પાકિસ્તાની ટીમ તેની સામે પણ સંઘર્ષ કરતી જોવા મળશે જ્યારે સી ટીમ વિશે હું ખાસ ખાતરી આપી શકું નહીં પરંતુ બી ટીમ તો વર્તમાન પાકિસ્તાની ટીમને જરૂર હરાવી શકે તેમ છે.
૧૯૯૬ બાદ પાકિસ્તાન પહેલી વાર પોતાના ઘરઆંગણે આઇસીસીની કોઈ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે ત્યારે નિરાશાજનક બાબત એ છે કે ટુર્નામેન્ટના પ્રારંભિક સપ્તાહમાં જ તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે. આ વખતે ન્યૂઝીલેન્ડ અને ભારત સામે તેનો પરાજય થયો હતો તો ન્યૂઝીલેન્ડની ટીમે સોમવારે બાંગ્લાદેશને હરાવીને ગ્‰પમાં બીજો ક્રમ હાંસલ કરી લીધો હતો.
આમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે હવે કોઈ શક્યતા બાકી રહી નથી. ૨૦૧૭માં ઇંગ્લેન્ડમા યોજાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન કથળી રહ્યું છે. ૨૦૨૩માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ અને તે અગાઉના વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાની ટીમ પાંચમા ક્રમે રહી હતી.
ગાવસ્કરે ઉમેર્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન બેંચ સ્ટ્રેન્થ જોઇને પણ આશ્ચર્ય થાય છે. પાકિસ્તાન પાસે હંમેશાં નૈસર્ગિક પ્રતિભા રહી છે. નૈસર્ગિકનો અર્થ એ રીતે કે તેઓ હંમેશાં ટેકનિકલી પરફેક્ટ રહ્યા નથી પરંતુ તેમ છતાં તેના ખેલાડીઓમાં ક્રિકેટની સારી સમજ રહેતી હતી અને બેટિંગ અને બોલિંગ બંનેમાં તેમણે મહાન ક્રિકેટર આપેલા છે.
ઇંઝમામનું જ ઉદાહરણ લઈએ તો તેની બેટિંગ સ્ટાઇલ જોતાં તમે કોઈ યુવાનને તેની સ્ટાઇલ અપનાવવાની ભલામણ કરી શકો નહીં પરંતુ તે જોરદાર ટેમ્પરામેન્ટ ધરાવતો બેટ્સમેન હતો.SS1MS