અમદાવાદમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટરની સમસ્યાના ઉકેલ માટે 4 હાઈડ્રોલીક એન્જીનિયરની ભરતી કરાશે

પ્રતિકાત્મક
ચોખ્ખા પાણીના વિતરણના નેટવર્કમાં, ડ્રેનેજ નેટવર્ક તથા વરસાદી પાણીના નિકાલની સીસ્ટમમાં તેમજ પૂર નિયંત્રણના કામમાં હાઈડ્રોલીક એન્જીનીયર શહેરના ઝડપી વિકાસ માટે મહત્વની ભૂમિકા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે શુધ્ધ પાણી વિતરણ, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર વિગેરે માટે ઓછામાં ઓછા રૂ.૧પ૦૦ કરોડના કામો કરવામાં આવે છે. નાગરિકોને આ તમામ કામની સેવા વધુ સારી રીતે મળે તે માટે વોટર રિસોર્સ મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવશે. જેમાં હાઈડ્રોલીક એન્જીનીયરની ભુમિકા મહત્વની રહેશે.
મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ હાઈડ્રોલીક એન્જીનિયરની શિડયુલ મુજબ કોઈપણ જગ્યા નથી તેથી ચાર નવી જગ્યા ખોલી તેમની ભરતી કરવામાં આવશે. ચાર પૈકી જેમાં બે એન્જીનીયર પૂર્વમાં અને બે એન્જીનીયર પશ્ચિમની કામગીરી સંભાળશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ શહેરમાં દર વર્ષે પાણીને લાગતા રૂ.૧૫૦૦ કરોડના કામ થાય છે. તેથી હાઇડ્રોલીક એન્જીનીયર ની ચાર જગ્યા ખોલવામાં આવશે.
શહેરના ચોખ્ખા પાણીના વિતરણના નેટવર્કમાં, ડ્રેનેજ નેટવર્ક તથા વરસાદી પાણીના નિકાલની સીસ્ટમમાં તેમજ પૂર નિયંત્રણના કામમાં હાઈડ્રોલીક એન્જીનીયર શહેરના ઝડપી વિકાસ માટે મહત્વની ભૂમિકા નિભાવશે. પાણીનું કાર્યદક્ષ રીતે વિતરણ કરવાનું હોય કે પછી સુએજ અને વરસાદી પાણીનો કાર્યક્ષમ રીતે નિકાલ કરવાનો હોય તે સંજોગોમાં હાઇડ્રોલિક એન્જીનીયર પૂરના જોખમને હળવું કરીને એન્વાયરમેન્ટને રક્ષણ આપે છે.
શહેરના ઝડપથી થતા વિકાસની સાથે જ ચોખ્ખા પાણી તેમજ ડ્રેનેજ અને વરસાદી પાણીના માળખામાં ઘણા સુધારા વધારા કરવાની જરૂરિયાત છે. વૈશ્વિક વાતાવરણમાં થતા ફેરફારને ધ્યાને લઈને વોટર અને ફલડ મેનેજમેન્ટમાં કરવાના થતા ફેરફારની સ્ટેટેજી અપનાવવાની જરૂરિયાત છે. વરસાદી પાણીના સંગ્રહની અલગ પ્રકારની વ્યવસ્થા તેમજ ગ્રે વોટર રીયુઝની અલગ અલગ પદ્ધતિ માટે અર્બન ડીઝાઇન કરવાની જરૂરિયાત રહે છે.
હાઈડ્રોલિક એન્જીનીયરના કાર્યક્ષેત્રમાં પાઈપ, પમ્પ તથા સ્ટોરેજ ટાંકીની વ્યવસ્થિત હાઇડ્રોલિક ડીઝાઇન કરીને વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કાર્યક્ષમ કરવાનું, વરસાદી પાણીને અસરકારક રીતે ભેગું કરી ચેનલાઈઝ કરી શહેરમાં પૂર નિયંત્રણ કરવાનું કામ સુઅરેજ સિસ્ટમને યોગ્ય રીતે હાઇડ્રોલિક ડીઝાઇન કરીને એસ.ટી.પી.માં સુએજને લઇ જવાનું, કોમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કરી પ્રોએક્ટીવ ડીઝાઇન થી હાઇડ્રોલિક મોડેલ બનાવવાનું કામ, હયાત વોટર અને સુએજ ઇન્ફાસ્ટ્રકચરની પરિસ્થિતિનું મુલ્ય કરીને તેનું રીપેરીંગ અને અપ ગ્રેડિંગ કરીને લાંબા ગાળા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની કાર્યક્ષમતા વધારવાની જવાબદારી રહેશે.