કોલેજમાં હોળી રમવા મંજૂરી નહીં આપતાં પ્રિન્સિપાલ સહિત ૧૫૦ને બંધક બનાવ્યાં

ઈન્દોર, મધ્યપ્રદેશના ઇન્દોરની એક કોલેજના સત્તાવાળાઓએ કોલેજના કેમ્પસમાં હોળી રમવાની મંજૂરી નહીં આપતા રોષે ભરાયેલા ચાર વિદ્યાર્થીઓએ મહિલા પ્રિન્સિપાલ સહિત ૧૫૦ લોકોને આશરે દોઢેક કલાક સુધી બંધક બનાવી દેતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ મામલે તપાસ બાદ ચારેય વિદ્યાર્થીઓની કોલેજ દ્વારા હકાલપટ્ટી કરાઈ છે. ઘટનાની વિગતો અનુસાર, અહીંની ગવર્નમેન્ટ હોલ્કર સાયન્સ કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં હોળીની ઉજવણી માટેના પોસ્ટર્સ લગાવ્યાં હતાં. હોલ્કર હોલી ફેસ્ટ નામના આ કાર્યક્રમમાં ડીજે અને રેઈન ડાન્સ જેવા કાર્યક્રમો પણ સામેલ હતાં.
આ કાર્યક્રમ એક ખાનગી કોચિંગ સંસ્થાએ સ્પોન્સર કર્યા હતો અને તેમાં ભાગ લેવા માટે ૧૫૦ની ફી રખાઈ હતી. જોકે ૭મી માર્ચના રોજ યોજાનારા આ કાર્યક્રમ માટે તેમણે કોલેજના સત્તાવાળાઓની મંજૂરી લીધી નહોતી. આ પ્રકારના કાર્યક્રમના આયોજનથી કોલેજના વહીવટ તંત્રને કોલેજનો માહોલ બગડવાની આશંકા હતી.
જેથી તેમણે તેને મંજૂરી આપી નહોતી અને કોલેજ પરિસરમાં લગાવાયેલાં તમામ પોસ્ટર્સ દૂર કરાવ્યાં હતાં. આ ઘટનાથી રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓએ કોલેજમાં દેખાવો યોજ્યાં હતાં. આ સમગ્ર વિરોધ પ્રદર્શનની આગેવાની ચાર વિદ્યાર્થીઓએ લીધી હતી.
આ ચાર વિદ્યાર્થીઓએ કોલેજના યશવંત હોલના દરવાજા બહારથી બંધ કરી દીધાં અને રૂમનો વીજ પુરવઠો પણ બંધ કરી દીધો હતો. આ સમયે હોલમાં આશરે ૧૫૦થી વધુ લોકોની મીટિંગ ચાલી રહી હતી. મીટિંગમાં કોલેજના મહિલા પ્રિન્સિપાલ ઉપરાંત પ્રોફેસર્સ અને અન્ય કર્મચારીઓ પણ હાજર હતાં.
એકાએક વીજ પુરવઠો બંધ થતાં જ હોલમાં હાજર લોકોએ બહાર જવા પ્રયાસ કર્યા હતો, પરંતુ દરવાજા નહીં ખુલતા તેમણે હોબાળો મચાવ્યો હતો. આશરે દોઢેક કલાકની મથામણ બાદ કોઈએ હોલનો દરવાજો ખોલતાં લોકોનો છૂટકારો થયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને સમગ્ર મામલાની તપાસ કરી હતી. જેને પગલે ચાર વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.SS1MS