ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મંત્રણા નિષ્ફળ યુક્રેન-રશિયા યુદ્ધ લાંબુ થઈ શકે

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે શુક્રવારે વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી મંત્રણા નિષ્ફળ રહી હતી.
બંને દેશના નેતાએ એકબીજા સમક્ષ નમતું નહીં જોખવાની જિદ પકડી રાખતાં યુક્રેન-રશિયા યુદ્ધમાં સમાધાનની આશા ધૂંધળી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે યોજાયેલી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે, યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેને કેટલાંક સમાધાન કરવા પડશે.
જોકે ઝેલેન્સ્કીએ ટ્રમ્પને રોકડુ પરખાવ્યુ હતું કે, રશિયાના હત્યારા નેતા સાથે તેઓ સમાધાન કરવાના મૂડમાં નથી. આ મંત્રણામાં અબજોના ખનીજ ધરાવતા વિસ્તારો અમેરિકાને સોંપવા બાબતે કરાર થવાના હતા. મંત્રણા નિર્ણાયક તબક્કે પહોંચવાની શક્યતા ન લાગતાં ટ્રમ્પે ચાલુ મંત્રણાએ ચાલતી પકડી હતી. આ જોઈ ઝેલેન્સ્કી પણ તરત યુક્રેન જવા રવાના થઈ ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત ફળદાયી રહેવાની અપેક્ષાએ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર તેમની ચર્ચાનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. જેમાં અમેરિકા-યુક્રેન વચ્ચે સમજૂતિ કરારની જાહેરાત થવાની હતી. ૪૫ મિનિટની ચર્ચામાં છેલ્લી ૧૦ મિનિટ દરમિયાન ઝેલેન્સ્કી-ટ્રમ્પ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને અમેરિકાના ઉપ પ્રમુખ જે ડી વાન્સ પણ તેમાં જોડાયા હતા.
ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતનો ઈતિહાસ કહેવાની શરૂઆત કરી હતી. તેમની વાતને વાન્સે વચ્ચેથી કાપી નાખી હતી અને અમેરિકન મીડિયા સમક્ષ આ પ્રકારના નિવેદનોને અનુચિત ગણાવ્યા હતા. ઝેલેન્સ્કીએ વાન્સના વિરોધનો પ્રયાસ કરતાં ટ્રમ્પે ઝુકાવ્યું હતું.
ટ્રમ્પે ઝેલેન્સ્કીની હરકતોને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જનારી ગણાવી હતી અને તેઓ લાખો લોકોના જીવન સાથે જુગાર રમી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમેરિકાએ રશિયા સામેના યુદ્ધમાં આપેલી સહાયની યાદ અપાવી ઝેલેન્સ્કીને ચૂપચાપ અમેરિકાની શરતો માનવા રીતસરના તતડાવ્યા હતા અને ઝેલેન્સ્કી અમેરિકાની વાત ના માને તો યુક્રેનને તેના હાલ પર છોડી દેવાની ચીમકી પણ આપી હતી.SS1MS