હોટલમાં વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.પ૬.પર લાખ પડાવ્યાં

(એજન્સી)અમદાવાદ, સરકાર તેમજ પોલીસની અનેક જાહેરાતો બાદ પણ ડિજિટલ એરેસ્ટના નામે થતાં ફ્રોડ મામલે લોકોમાં જાગૃતિ આવતી નથી તેવું લાગી રહ્યું છે. આનંદનગર ખાતે રહેતા એક વેપારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે અને પ૬.પર લાખ રૂપિયા ગુમાવી દીધા છે. વેપારીને ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવાના બહાને હોટલના રૂમમાં ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ ટોળકીએ રૂપિયા પડાવી લીધા હતા. આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર કેલિડોનિયા ખાતે રહેતા સાર્થક દૂધારાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પ૬.પર લાખના ચીટિંગની ફરિયાદ કરી છે. સાર્થક સપરિવાર રહે છે અને પ્રહલાદનગર ખાતે આવેલા સફલ પ્રોફિટેલ નામની બિલ્ડીંગમાં ઓબરજિન સોલ્યુશન નામથી સોફટવેર ડેવલપમેન્ટની ઓફિસ ધરાવે છે. સાર્થક ૧૧ વર્ષથી ધંધો કરે છે અને તેના પત્ની કંપનીમાં ભાગીદાર છે.
જુલાઈ ર૦ર૪માં સાર્થક તેમની પત્ની સાથે ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સ હિન્દીમાં વાત કરતો હતો અને તેણે જણાવ્યું હતું કે, તમારા આધારકાર્ડના નામથી એક પાર્સલ તાઈવાન દેશ ખાતે મોકલ્યું હતું જેમાં પાંચ પાસપોર્ટ, ૩પ હજાર રોકડા, તેમજ ર૦૦ ગ્રામ ડ્રગ્સ હતું. ફોન કરનાર શખ્સે સાર્થકને તેનો આધારકાર્ડ નંબર પણ આપ્યો હતો. શખ્સે સાર્થકને જણાવ્યું હતું કે, જો તમે આ પાર્સલ મોકલ્યું ના હોય તો મુંબઈ સાયબર ક્રાઈમનો સંપર્ક કરો. હું તમને લાઈન જોડીને આપું છું. શખ્સે મુંબઈ સાયબર ક્રાઈમ સાથે સંપર્ક કરાવ્યો હતો. શખ્સે કોન્ફરન્સમાં કોલ લીધો હતો અને બીજા શખ્સે મુંબઈ સાયબર ક્રાઈમથી બોલું છું તેમ કહ્યું હતું. સાયબર ક્રાઈમના નામથી વાત કરનાર શખ્સે સાર્થકને જણાવ્યું હતું કે, તમારા આધારકાર્ડ ઉપર ઘણી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરીંગ જેવા અનેક ગુનામાં તમે સંકળાયેલા છો. શખ્સની વાત પરથી સાર્થક ગભરાઈ ગયા હતા.
શખ્સે સાર્થકને ટેલિફોન પર જણાવ્યું હતું કે, આ ગેંગનો માસ્ટરમાઈન્ડ પકડાઈ ચૂકયો છે. શખ્સે સાર્થકને સ્કાઈપ એપ્લિકેશનથી વીડિયો કોલ પર વાત કરવાનું કહ્યું હતું. તરત જ સાર્થકની સ્કાઈપ એપ્લિકેશન પર ગઠિયાએ ફોન કર્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તમે અમારી નજરકેદ હેઠળ છો. જો તમે નિર્દોષ હો તો અમે જેમ કહીએ તેમ તમારે કરવું પડશે. શખ્સે સાર્થકને ડરાવતા કહ્યું હતું કે, તમારે એક રૂમમાં અમારી સમક્ષ વીડિયો કોલમાં હાજર રહેવું પડશે અને વીડિયો કોલ દરમિયાન ઘરના કોઈ સભ્ય સાથે વાતચીત કરવાની રહેશે નહીં. શખ્સે સાર્થકને બે ત્રણ દિવસ માટે કોઈ હોટલમાં રોકાવા માટે જવાનું કહ્યું હતું અને ધમકી આપી હતી કે જો હોટલમાં રોકાવા માટે નહીં જાવ તો તમારા ઘરે આવીને તમારી ધરપકડ કરી લઈશું.
ફોન કરનાર શખ્સ સાચે જ પોલીસ કર્મચારી હોવાનું માનીને સાર્થકે પોતાનું લેપટોપ અને કપડા લીધા હતા અને પત્નીને બહારગામ કામથી જાઉં છું તેમ કહીને નીકળી ગયા હતા. સાર્થક સિંધુ ભવન ખાતે આવેલી રોયલ આઈકોન હોટલમાં બે દિવસ રહેવા માટે જતા રહ્યા હતા. શખ્સોએ સતત સાર્થકનો સંપર્ક રાખ્યો હતો અને વીડિયો કોલમાં જણાવ્યું હતું કે જો તમે અમારો સાથ આપશો તો બે દિવસમાં તપાસ કરીને જવા દઈશું. જો તમે અમારું કહ્યું નહીં કરો તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. તમારી ઉપર ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મનિલોન્ડરીંગનોકેસ હોવાથી તમારા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થશે જેથી સરકારના નિયમો મુજબ એકાઉન્ટમાં ૯૮ ટકા રકમ ટ્રાન્સફર કરવી પડશે. જો તમે નિર્દોષ સાબિત થશો તો તમારા રૂપિયા પરત મળી જશે. શખ્સની વાત પર વિશ્વાસ કરીને ૪૪.૯૧ લાખ બેન્કથી ટ્રાન્સફર કર્યા અને ૧૧.૮૪ લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. બે દિવસ બાદ સાર્થકને હોટલમાં મળવા તેના પરિવારજનો આવ્યા હતા અને તેની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની વાત કરી હતી. સાર્થકે તરત જ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફોન કરી દીધો હતો. સાર્થકની ફરિયાદ પર આનંદનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પ૬.પર લાખના ચીટિંગની ફરિયાદ નોંધી છે.