GSC બેન્કની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ
અમદાવાદ, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.અમદાવાદની ૬૦મી વાર્ષિક સાધારણ સભા GSC બેન્ક ખાતે યોજવામાં આવી હતી. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે ગુજરાતમાં સહકારી મંડળીઓની કામગીરી ઉત્કૃષ્ટ છે અને સહકારી આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની સહકારી મંડળીઓની રચના થવાથી નાના ખેડૂતો અને નાના વેપારીઓ માટે બચત અને ધિરાણનુ ખુબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જેમાં GSC બેંક રાજ્યની ટોચની બેંક છે. GSC બેંકમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને તેને સમગ્ર દેશમાં અગ્રેસર બનવવામાં બોર્ડના ચેરમેન અને તમામ સભ્યોને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના લક્ષ્યને સફળ બનાવવામાં સહકારી બેંકોનો મહત્તમ ફાળો રહેલો છે તેમ મંત્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું. GSC બેન્કની શરુઆતથી લઈને અત્યાર સુધી થયેલ સ્થિતિ વિશેનો ચિતાર આપતા બેન્કના ચેરમેન અજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમા કહ્યું કે, દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં નાગરિકોની આવક સાથે તેને સીધો સંબંધ છે.જેમા સહકારી બેંક અને મંડળીઓની કામગીરી થકી અનેકવિધ યોજનાઓનો સુચારુ રીતે અમલ થઈ રહ્યો છે.અહીં તાલીમની વ્યવસ્થા સાથે રહેવા જમવાની રાહતદરે સગવડો આપવામાં આવે છે તેની માહિતી ચેરમેન એ આપી હતી.
GSC બેન્કના વાઈસ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગુજરાતમાં સહકારી બેંકનુ માળખું ખુબ મજબૂત છે.અત્યારે આ બેન્કની ૨૯ શાખાઓ છે જે તમામ આધુનિક વ્યવસ્થાથી સુસજ્જ છે.તેમ જણાવીને છેલ્લા દસ વર્ષમાં કરેલ પ્રગતિને પ્રેઝન્ટેશન દ્વારા રજું કર્યું હતું. આ સાધારણ સભામાં બોર્ડ ડિરેક્ટર દ્વારા અલગ-અલગ ઠરાવો પસાર કરીને દરખાસ્ત કરવામાં હતી. જેને સભ્યો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.ઉપરાત આ સહકારી બેંકનુ પોતાનું પ્રિપેઇડ+ ડિજીટલ વોલેટ નું સંયુક્ત કામ કરે તેવું કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.
જેનો ઉપયોગ સમગ્ર દેશમાં કરી શકાશે.આ કાર્ડની મદદથી શોપિંગ કરી શકાશે.તથા આ કાર્ડ કોઇ પણ બેન્ક એકાઉન્ટ સાથે લિંક ન હોવાથી સાયબર સિક્યુરિટી પણ જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા, સહકાર સચિવ મોહમ્મદ શાહિદ, દિલીપભાઈ સંઘાણી, નરહરિભાઈ અમીન, અમૂલ ડેરીના ચેરમેન, સહકારી મંડળીના રજીસ્ટ્રાર એન.બી.ઉપાધ્યાય, જેઠાભાઈ આહિર, જ્યોતીન્દ્રભાઈ દવે, વિવિધ ડેરીના ચેરમેન, અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.