ટ્રમ્પ સત્તામાં પર આવતાં જ અમેરિકામાં ઘૂસણખોરી 70 ટકા ઘટી

(એજન્સી)વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ફેબુ્રઆરી મહિનામાં મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચુ રહ્યું છે. જ્યારે બીજી તરફ મારા બીજા કાર્યકાળનો પ્રથમ મહિનો પણ પુરો થયો છે. ટ્રમ્પના દાવા મુજબ તેમણે સત્તા સંભાળી તેના એક જ મહિનામાં ઘૂસણખોરી ઘટી ગઇ છે.
ફેબ્રુઆરીમાં અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસની ૮૩૨૬ ઘટનાઓ સામે આવી હતી, જેને અમેરિકન સિક્્યોરિટી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે દર મહિને અમેરિકામાં જેટલા લોકો ઘૂસવાનો પ્રયાસ કરે છે તેમાં આ આઠ હજાર લોકોનો પ્રયાસ સૌથી ઓછી ઘટનાઓ છે.
સોશિયલ પર અમેરિકાના પ્રમુખે પોસ્ટ લખી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ઓફિસ સંભાળ્યાના એક જ મહિનામાં અમેરિકામાં પ્રવેશવાની ઘટના સૌથી તળીયે પહોંચી ગઇ છે. બોર્ડર પેટ્રોલ (સરહદી સુરક્ષાદળ) દ્વારા ફેબુ્રઆરીમાં ૮૩૨૬ લોકોને ઘૂસણખોરી કરતા ઝડપી લેવાયા હતા. જ્યારે જો બાઇડેનના શાસનમાં અમેરિકામાં ઘૂસણખોરીનું પ્રમાણ વધી ગયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો બાઇડેનના શાસનમાં અમેરિકામાં એક મહિનામાં ઘૂસણખોરીની ત્રણ લાખ ઘટનાઓ સામે આવતી હતી, એટલુ જ નહીં આ તમામ ગેરકાયદે ઘૂસણખોરોને અમેરિકામાં ખુલ્લા છોડી દેવામાં આવતા હતા. મારા શાસનમાં તમામ ઘૂસણખોરો માટે અમેરિકાની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. જે પણ વ્યક્તિ ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરશે તેને તાત્કાલિક દંડિત કરીને પરત તેના દેશમાં મોકલી દેવામાં આવશે.
ટ્રમ્પ પ્રશાસને ગેરકાયદે રહેનારાઓના દેશનિકાલની પ્રક્રિયાને પ્રાથમિકતા આપી હતી, સત્તા સંભાળ્યા બાદ તેમણે સૌથી પહેલા ધ્યાન આવા લોકો પર આપ્યું હતું. એક તરફ ટ્રમ્પે બાઇડેન પર ઘૂસણખોરોને છુટ્ટાદોરનો આરોપ લગાવ્યો હતો
જ્યારે બીજી તરફ અમેરિકી મીડિયાના આંકડા મુજબ જો બાઇડેનની સત્તાના અંતિમ સપ્તાહમાં ઘૂસણખોરીની ૨૦ હજાર ઘટના જ્યારે દરરોજ ૨૮૬૯ ઘટના સામે આવી હતી, ટ્રમ્પના શાસનમાં પ્રથમ સપ્તાહનો આંકડો ૭૨૮૯ જ્યારે દૈનિક આંકડો એક હજારનો હતો, એટલે કે આશરે ૬૦ થી ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.