કહેવાતાં પત્રકારો RTI એક્ટીવીસ્ટ બની બિલ્ડરોને બ્લેક મેઈલ કરતાં હતા

બિલ્ડરો પાસેથી નાણાં પડાવનાર કથિત પત્રકારો વિરૂદ્ધ ગુનો નોંધાયો-મનપામાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવી બ્લેકમેઈલિંગ કરતા હતા
સુરત, સુરત મનપાના આરટીઆઈ એકટ હેઠળ માહિતી માંગ્યા બાદ બિલ્ડરોને બ્લેકમેઈલિંગ કરી નાણાં પડાવવાના મામલે કથિત પત્રકારો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે વેડરોડ પર સંત જલારામ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામકાજ કરતા રણજીતસિંહ રતનસિંહ ઘેલડા નામના બિલ્ડરે વેડરોડ હરીઓમ મિલની સામે બાંધકામ શરૂ કર્યું હતું.
ત્યારે અભિષેક લલિત વોરા નામના શખ્સે ફોટા પાડી મનપામાં અરજી કરી બાંધકામ તોડાવી નાંખીશું તેમ કહી છરી બતાવી ધમકી આપી હતી અને બાદમાં આ અંગેના સમાચાર પ્રસિદ્ધ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ મામલે રણજીતસિહ ઘેલડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કથિત પત્રકાર અભિષેક લલિત વોરા વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
તેમજ સિંગણપોર રોડ દેવગણિયા કોમ્પલેક્ષમાં રહેતા મહેશ ગુણવંતભાઈ ધકાણ નામના બિલ્ડરે વેડરોડ પર શિવછાયામાં રહેતા મિતેષ જરીવાલા નામના શખ્સ વિરૂદ્ધ છરી બતાવી રૂ.૧૦ હજારની માગણી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મહેશ ધકાણ નામના બિલ્ડર કતારગામ સીતારામ ચોકડી ડભોઈ રોડ પર રઘુવીર પાર્ક સોસાયટીમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા હોય મિતેષ જરીવાલાએ પૈસાની માગણી કરી હતી.
અગાઉ પણ મિતેષ જરીવાલા વિરૂદ્ધ ત્રણ ફરિયાદ થઈ છે. તદપરાંત બારડોલી મદ્રેસા માર્કેટની શેરીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ગુલામ મોહમ્મદ યુસુફ કારિયા નામના આધેડે આરટીઆઈ કરીને પૈસાની માગણી કરી હેરાન કરતા સાબીર અબ્દુલ હમીદ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સની શોધખોળ શરૂ કરી હતી.