એરગનથી ફાયરીંગ કરી ભર બજારમાં લૂંટનો પ્રયાસ કર્યો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ગત રાતે નવ વાગ્યાની આસપાસ સોના ચાંદીના દાગીના ના વેપારી પોતાની દુકાન બંધ કરી દુકાનનો વકરો રૂપિયા ૪૦,૦૦૦ જેટલો બેગમાં મૂકી એકટીવા લઈને ઘરે જતા હતા તે વખતે સોની બજારમાં જ બે અજાણ્યા લૂંટારોએ તેમના એકટીવા આગળ આવી જઈ ફાયરિંગ કરી બેગ લૂંટવા નો પ્રયાસ કર્યો હતો
જોકે બુમા બુમથતા લોકો આવી જતા આ બંને લૂંટારો બાઇક લઈને ઉભેલા એક લૂંટારા ની મોટરસાયકલ પણ બેસીને ભાગી ગયા હતા લૂંટની નિષ્ફળ ઘટના થી ચકચાર મચી છે પોલીસ પણ ઘટના સ્થળ દોડી આવી સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરી છે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ શહેરમાં ભાવસારવાડ સાથ બજારમાં રહેતા પૃર્ણાક સાળુકે પોતે શહેરના સોની બજારમાં દરગાહની બાજુમાં સુરજ ટચ નામની સોનાની દુકાન ધરાવે છે. આ દુકાન પર તેઓ અને તેમના પિતા વેપાર કરે છે. તેઓ દૈનિક જે કોઈ રોકડ નાણાં હોય તેને એક બેગમાં ભરી ઘરે લાવે છે. ગતરોજ શનિવારે રાત્રે પોણા નવ વાગ્યે દુકાન બંધ કરી પૃણાક સાળુકે પોતાની સાથે એક બેગમાં ૪૦ હજાર રોકડ ભરી અને તેમના કૌટુંબિક માસીના દિકરા સાથે એક્ટીવા પર બેસીને ઘરે આવવા નીકળ્યા હતા.
એક્ટીવા પૃર્ણાકભાઈ ચલાવતા હતા અને પૈસા ભરેલ બેગ તેમણે એકટીવાના પગ આગળ મુકેલ હતી. એકટીવા પાછળ માસીનો દિકરો ઓમકાર બેઠેલ હતો, તેમના દુકાનેથી થોડા આગળ જતા બે ઇસમો રોડની સાઇડે રોડ ઉપર ઉભા હતા અને એકટીવા નજીક આવતા જ બંને ઇસમો એકદમ એકટીવા આગળ આવી ઉભા થઈ ગયા હતા.
એક્ટીવા ચાલક કાઈ સમજે તે પહેલાં જ આ બે પૈકી એક ઈસમે એરગન જેવા હથિયાર કાઢી હવામાં ફાયરીંગ કર્યું હતું. જેથી તેઓ ખુબજ ડરી ગયા હતા. જોકે હાથના ઈસરા થી આ ઈસમે રૂપિયા ભરેલી બેગ માગી પરંતુ તે ન આપતા લૂંટારોએ બેગ લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બુમરાણ મચાવતા આ બંને લોકો આગળ ઊભેલા મોટરસાયકલ પર બેસીને પલાયન થઈ ગયા હતા. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, નડિયાદ શહેરમાં પોળ વિસ્તારમાં ૩ માસ અગાઉ પણ ફાયરિંગની ઘટનાએ એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી. એની તપાસનું રહસ્ય પણ અકબંધ છે ત્યારે આ ઘટના ઘણું કહી જાય છે પૃર્ણાકભાઈએ જણાવ્યું કે, જે એરગન જેવા હથીયારમાંથી ધુમાડા જેવું પણ નીકળવા લાગેલ જેથી હું એકદમ ગભરાઇ ગયેલ અને એકટીવા બંધ કરી મારા પગ આગળ મુકેલ પૈસા ભરેલ બેગને મેં પકડી લેતા એરગન વાળા ઇસમે હાથના ઇશારાથી મારી
પાસેનો પૈસા ભરેલ બેગ માંગતા મેં બેગ નહિ આપતા તે ઇસમ નજીક આવી બેગ લેવાનો પ્રયત્ન કરતા મેં બેગને બંને પગમાં દબાવી જોર જોરથી બુમાબુમ કરતા આજુબાજુ ના માણસો મારી બુમો સાંભળી ભેગા થઇ ગયેલ જેથી આ બંને ઇસમો પૈસા ભરેલ બેગ લીધા વગર તેમની પાસેનું હથીયાર લઈ કંસારા બજાર બાજુ દોડીને જવા લાગેલા જ્યાં હાજર કોઈ શખ્સના મોટરસાયકલ પર બેસીને પલાયન થઈ ગયા હતા.