ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડે વિવિધ યોજનાના ૧૦૪૫ લાભાર્થીઓને ૧.૧૫ કરોડના ચેકનું વિતરણ કરાયું

દેશના વિકાસના પાયામાં રહેલા શ્રમિકોને સહાય કરવા રાજ્ય સરકાર તત્પર : મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
ભરૂચ: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળ આવેલ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અંકલેશ્વર ખાતે સાંસ્કૃત્તિક કાર્યક્રમ, શ્રમયોગી સંમેલન અને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યોજનાના ૧૦૪૫ લાભાર્થીઓને કુલ રૂ.૧.૧૫ કરોડના ચેકનું સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન અને રાષ્ટ્રીય અલ્પ સંખ્યક આયોગ નવી દિલ્હીના સભ્ય સુનિલ સિંઘી,સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે યોજાયેલા કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ઉદઘાટન કરતાં સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્ય વિકાસના પાયાના પથ્થર એવા શ્રમિકોને આર્થિક સહાય કરવા રાજ્ય સરકાર તત્પર છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ પરિવારો સ્વાવલંબન અને સક્ષમ બન્યા છે.
ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે ત્યારે આજે શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લાભાર્થીઓને ઘર આંગણે લાભો પહોંચ્યા છે તેમ જણાવી મંત્રીએ ઉપસ્થિત લાભાર્થીઓને મળેલ સાધન-સહાયનો સાચી દિશામાં ઉપયોગ કરી આર્થિક રીતે સ્વાવલંબન બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને થી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન અને રાષ્ટ્રીય અલ્પ સંખ્યક આયોગ નવી દિલ્હીના સભ્ય સુનિલ સિંઘીએ તેમના પ્રવચનમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે વિવિધ કલ્યાણ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.આ યોજનાઓ પાછળ બોર્ડ દ્વારા દર વર્ષે રૂ.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવે છે અને આ સહાયમાં વધારો કરી રહ્યા છે. તેમણે શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાકીય બાબતોની વિસ્તૃત જાણકારી આપી હતી.
સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ દેશના પ્રધાનમંત્રી સમગ્ર દેશના ઉત્થાન માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે તેમ જણાવી શ્રમિકોના ઉત્થાન માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓને બિરદાવી ઉપસ્થિત લાભાર્થીઓને આ યોજનાઓને સમજી તેનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી.
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝના સભ્ય વડા દસ્તૂરજી ખૂર્શીદ કે. દસ્તૂરે શ્રમયોગીઓને દેશમાં હક્ક છે તેને લાભ મળે,પરંતુ તે જે સંસ્થા,કંપનીમાં જોડાયેલ છે તેમાં તેને મહત્વનું યોગદાન આપવું જોઈએ તો જ સંસ્થા અને દેશનો વિકાસ થાય. પ્રારંભમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેલ્ફેર કમિશનર એચ.ડી.રાહુલે સ્વાગત પ્રવચન કર્યું હતું અંતમાં લેબર વેલ્ફર ઓફિસર એ.જી.પટેલે આભારવિધિ કરી હતી.આ કાર્યક્રમ પહેલા મહાનુભાવોની હાજરીમાં સુંદર કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવો દ્વારા ૧૦૪૫ લાભાર્થીઓને કુલ રૂ.૧.૧૫ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦ લાભાર્થીઓને ઉચ્ચત્તર શૈક્ષણિક પુરસ્કાર યોજના હેઠળ ૩૬૩ લાભાર્થીઓને ધોરણ-૧૦ અને ૧૨ ની પરિક્ષામાં ઉત્તમ પરફોમન્સ દાખવવા બદલ શૈક્ષણિક પુરસ્કાર યોજના હેઠળ, શ્રમયોગી પ્રવાસન અયોજના, પ્રસુતિ સહાય, બેટી પ્રોત્સાહન યોજના, હોમલોન વ્યાજ સબસીડી યોજના,સ્પર્ધાત્મક તાલીમ યોજના અને મહિલા શ્રમયોગીઓ માટેની વાહન સબસીડી યોજનાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ જશુભાઈ ચૌધરી,આગેવાન પદાધિકારીઓ,અધિકારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.