Western Times News

Gujarati News

પાપડ-પાપડી, પાવડર-સાબુ-શેમ્પૂ બનાવી વાર્ષિક 2 લાખની કમાણી કરે છે નવસારીના આ સખીમંડળની બહેનો

નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ શ્રી સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો

હું ગર્વપૂર્વક કહું છું કે હું લખપતિ દીદી છું ઉદ્યોગ સાહસિકતા અને સખી મંડળએ મને આગળ લાવી દીધી છે.‘- સહજાનંદ સ્વામી સખીમંડળના પ્રમુખ જયાબેન પટેલ

  આગામી દિવસોમાં ૮મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દીદી  સન્માન સમારોહમાં અંદાજિત ૧ લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે. ત્યારે વાત કરીએ નવસારી જિલ્લાની લખપતિ દીદી ઓની જે પોતાના નાનકડા ગૃહઉદ્યોગથી સમગ્ર નવસારી જિલ્લાની બહેનો માટે પ્રેરણારૂપ બની છે.

ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે ૧૦ બહેનો ૨૦૧૪માં સખી મંડળમાં જોડાયા હતા. સહજાનંદ સ્વામી સખીમંડળ નામથી સખીમંડળ બનાવ્યું. સખી મંડળમા જોડાવાથી તેમણે ગૃહ ઉદ્યોગની વિવિધ તાલીમો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત તાલીમો મેળવી હતી. તમામ બહેનો મળીને પાપડ-પાપડી,ઓર્ગેનિક સાબુ-શેમ્પૂ, ખેતી,

વર્મિકમ્પોસ્ટ, સાબુ દાણા બટાકાની વેફર, નાગલીના પાપડ,નાવાના સાબુ, શેમ્પૂ,કપડા ધોવાનો પાવડર બનાવી વેચાણ કરે છે. આ ઉપરાંત હેન્ડમેડ પ્રોડક્ટસને વિવિધ જિલ્લાઓમાં સરસ મેળા થકી સ્ટોલ રાખી વેચાણ કરે છે જેના કારણે સારી આવક મેળવતા થયા છે.

 

સહજાનંદ સ્વામી સખીમંડળના પ્રમુખ જયાબેન અમ્રતભાઈ પટેલ આ અંગે પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, અમે પાપડ, પાપડી, સાબુ દાણા બટાકાની વેફર, નાગલીના પાપડ,નાવાના સાબુ, શેમ્પૂ,કપડા ધોવાનો પાવડર વગેરે ઘરેજ બનાવીએ છે. અમારી મોટાભાગની વસ્તુઓ બધી ઘર બેઠા જ વેચાણ થાય છે. આ ઉપરાંત બીજા ગામોમાં અમે ઓર્ડર દ્વારા માલનું વેચાણ કરીએ છીએ. અને સરકારશ્રીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ જિલ્લામાં યોજાતા સરસ મેળાઓમાં સ્ટોલ મારફત વેચાણ કરીએ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મિશન મંગલમની યોજના હેઠળ રીવોલ્વિંગ ફંડ તરીકે રૂપિયા ૫૦૦૦/-, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ-૭૦૦૦૦/-, અને કેશ ક્રેડીટ- રૂપિયા ૬,૦૦,૦૦૦/-નો લાભ મેળવ્યા છે જેના થકી અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો જેના વડે અમારી વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ સુધી થાય છે. આ ગૃહ ઉદ્યોગ થકી અમે તમામ બહેનો લખપતી બન્યા છે.

અમારી ઘણી બહેનોના ઘર કાચા હતા એ આ ઉદ્યોગના કારણે આવક વધતા પાકા ઘરો બની ગયા છે. અમારા ઘરમાંથી પણ કોઈ પાસે પૈસા માંગવા પડતા નથી અમને પૈસાની ચિંતા કરવાની રહેતી નથી. અમે પોતાના આત્મનિર્ભર જીવી શકીએ છીએ. અને અમને જુદા-જુદા વ્યક્તિઓ સાથેનો સંપર્ક થયો છે. તેમણે અંતે ઉમેર્યું કે, હું ગર્વ પૂર્વક કહું છું કે હું લખપતિ દીદી  છું ઉદ્યોગ સાહસિકતા અને સખી મંડળએ મને આગળ લાવી દીધી છે.

તેમણે સમગ્ર જિલ્લાની બહેનોને આહવાન કરતા ઉમેર્યું હતું કે, તમામ બહેનો સખી મંડળમાં જોડાય અને લખપતી દીદી  બને તેવી મને આશા છે. તેમણે સરકારશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર વ્યક્ત કરતા મિશન મંગલમ યોજનાની સરાહના કરી હતી જેના થકી આજે સૌ બહેનો આર્થીક રીતે પગભર બન્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લખપતિ દીદી  યોજના 15 ઓગસ્ટ, 2023ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરવામાં આવી હતી. જેના અનેક ઉદાહરણો આજે નવસારી જિલ્લામાં જોવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.