અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન શહેરના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરશે: રેલવે મંત્રી

દાહોદમાં ટૂંક સમયમાં રેલવે એન્જિન નિર્માણનું કામ શરૂ કરાશે-ગુજરાતમાં રેલવે વિદ્યુતીકરણની ૯૭ ટકા કામગીરી પૂર્ણ: કેન્દ્રીય રેલવે મંત્રી
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી
Ahmedabad, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ પ્રોજેક્ટ કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે અમદાવાદનું આ નવનિર્મિત રેલવે સ્ટેશન અને તેના સમગ્ર પરિસરની ડિઝાઇન અમદાવાદના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરશે.
આ અંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં શહેરની ધરોહરથી પ્રેરિત ઝૂલતા મિનારા, તોરણ પ્રવેશ દ્વાર, પતંગોત્સવ વગેરેનો સમાવેશ કરવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું કે આધુનિક ભારતનો સાંસ્કૃતિક વારસો અને ધરોહરને જાળવવા સરકાર કટિબદ્ધ છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતીય રેલવેના મહત્ત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ દેશભરનાં ૧૩૦૦ થી વધારે રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાનો છે.
કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીએ આ સમગ્ર પ્રોજેક્ટની પરિકલ્પના પર પ્રકાશ પાડતા ઉમેર્યું કે અપગ્રેડેડ સ્ટેશનથી અમદાવાદને ગ્લોબલ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવાની સાથે-સાથે વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. મંત્રીશ્રીની આ મુલાકાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સાંસ્કૃતિક જાળવણી સાથે આધુનિકરણને સંતુલિત કરવા માટે સરકાર અગ્રેસર છે.
શ્રી વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૭ ટકા રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થઈ ગયું છે, જ્યારે ટૂંક સમયમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતને રેલવે વિકાસ માટે રૂ.૧૭,૧૫૫ કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતમાં રેલવેમાં ૧.૨૭ લાખ કરોડનું રોકાણ થઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દાહોદની જે ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો, ત્યાં રેલવે એન્જિનનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે તેવી માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આ પુનર્વિકાસ કામગીરી મુસાફરોના હિત અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. બીજી તરફ, રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીની આજની આ મુલાકાત સમયે અમદાવાદ તથા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.