છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયા કે ડેન્ગ્યુ થવાને કારણે કોઈ મૃત્યુ થયું નથી

Files Photo
મેલેરિયા મુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ-અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો
૨૦૨૭ સુધીમાં મેલેરિયાના કેસ શૂન્ય કરવાનો લક્ષ્યાંક : વર્ષ ૨૦૧૯માં ૫૮ કેસ પછી તકેદારી અને નિયંત્રણના પરિણામે વર્ષ ૨૦૨૪માં માત્ર ૬ કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ પ્લાન હેઠળ વિવિધ તાલુકા આરોગ્ય કચેરીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના ૦ (શૂન્ય) કેસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
આ લક્ષ્યાંકની પૂર્તિ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે તે પછીના ત્રણ વર્ષ દરમિયાન જિલ્લાને મેલેરિયામુક્તિ તરફ લઈ જવાનો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૮ કેસ, ૨૦૨૦ માં ૨૦ કેસ, ૨૦૨૧માં ૫ કેસ, ૨૦૨૨માં ૫ કેસ, ૨૦૨૩ માં ૨ કેસ અને ૨૦૨૪માં ૬ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૫ વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ થયેલું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સુપરવીઝન હેઠળ અમદાવાદ જિલ્લાને મેલેરિયા મુક્તિ તરફ લઈ જવા ખાસ એક્શન પ્લાન કરવામાં આવ્યો છે. પાછલા વર્ષોમાં જે તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મેલેરિયાના કેસ નોંધાયા હતા ત્યાં વર્ષ ૨૦૨૭ સુધી મેલેરીયા પોઝિટિવ ૦ કેસ કરવા સઘન સર્વેલન્સ સહિતના આદેશ આપવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૩૦ સુધી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ વિસ્તારોને મેલેરિયા મુક્ત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.