અમદાવાદ મ્યુનિ. કમિશનરની રીવ્યુ મીટીંગના એજન્ડામાંથી સાબરમતી પ્રદુષણનો મુદ્દો ગાયબ

ડ્રેનેજ સફાઈ, હેલ્થ, ફાયર સહિતના મુદ્દે જવાબદાર અધિકારીઓની મ્યુનિ. કમિશનરે ઝાટકણી કાઢી
હીટવેવ-પ્રીમોન્સુન એકશન પ્લાન અંગે મીટીંગમાં ચર્ચા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કમિશનરે બુધવારે મળેલી વીકલી રીવ્યુ મીટીંગમાં ફરી એક વખત લાઈટ ખાતાના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો. આ ઉપરાંત ડ્રેનેજ સફાઈ, હેલ્થ, ફાયર સહિતના મુદ્દે જવાબદાર અધિકારીઓની પણ ઝાટકણી કાઢી હતી.
જોકે કમિશનરની મીટીંગમાંથી સાબરમતી પ્રદુષણનો મામલો બીલકુલ ગાયબ જ થઈ ગયો છે તેમજ કમિશનરની સૌથી નજીક કયા અધિકારી છે તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત છેલ્લી બે રીવ્યુ બેઠકમાં કમિશનરના આક્રમક વલણથી હેબતાઈ ગયેલા અધિકારીઓએ આ મીટીંગ દરમિયાન કમિશનરને હિંમતપૂર્વક જવાબ આપ્યા હતાં.
મ્યુનિ. લાઈટ વિભાગમાં સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સના કોન્ટ્રાકટની મુદત પૂર્ણ થઈ હોવા છતાં ટેન્ડર જાહેર કરવામાં વિલંબ થયો હોવાથી સ્ટ્રીટ લાઈટના ધાંધિયા જોવા મળી રહયા છે. આ મામલે પાછલા સપ્તાહે જવાબદાર અધિકારીને કમિશનરે આડા હાથે લીધા હતાં. જયારે બુધવારે મળેલી બેઠકમાં પણ ફરીથી તેમની ઝાટકણી કાઢી હતી તથા કહયું હતું કે સીસીઆરએસ વધતી જતી ફરિયાદો જોઈને લાગી રહયું છે કે સ્ટ્રીટલાઈટ વિભાગ બેદરકારક છે.
આ ઉપરાંત કમિશનરે ડ્રેનેજ સફાઈ અંગે પણ ચર્ચા કરતા ડેપ્યુટી કમિશનરોને પુછયું હતું કે તમે આ કામ દરમિયાન હાજરી આપો છો કે કેમ તેનો જવાબ કોઈ ડેપ્યુટી કમિશનર આપી શકયા ન હતા. ફાયર વિભાગના મોકડ્રીલ અને એસઓપી અંગે પણ આક્રમક રૂખ દર્શાવ્યું હતું. ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર વિપુલ ઠકકરને પણ કમિશનરે આડા હાથે લીધા હતાં
તેમજ મોકડ્રીલ સહિતની બાબતમાં ફાયર વિભાગ નિષ્ક્રિય છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં બગીચા વિભાગની પાંચના બદલે છ ફરિયાદ એટલે કે ગત સપ્તાહ કરતા એક ફરિયાદ વધુ નોંધાતા ફરીથી ડેપ્યુટી કમિશનર વિપુલ ઠકકરને બગીચાઓની રૂબરૂ મુલાકાત સંભાળ રાખવા જણાવ્યું હતું. ઉનાળાની સીઝન શરૂ થઈ રહી છે
ત્યારે પાણીજન્ય રોગચાળા મામલે પણ કમિશનરે ચર્ચા કરી હતી અને હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીને કોલેરા સહિતના રોગમાં થતા વધારા બાબતે પ્રશ્ન કર્યાં હતાં. બાપુનગરમાં કોલેરાનો નવો કેસ કન્ફર્મ થતાં ઈન્ચાર્જ મેડિકલ ઓફિસરને પણ તમે કરેલ તપાસમાં કચાશ છે તેવું કહયું હતું.
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાંથી સીસીઆરએસની વધુ ફરિયાદો આવતા ડેપ્યુટી કમિશનર સાથે પણ ઉગ્ર ભાષામાં વાત કરી હતી તેમજ બહેરામપુરાને બોડકદેવ સાથે ન સરખાવતા વોર્ડની સ્થિતિને જોઈને કામ કરવા જણાવ્યું હતું. ઉનાળાની શરૂઆત થતી હોવાથી હીટ એકશન પ્લાનના પ્રેઝન્ટેશનમાં અધિકારીઓને ચાર રસ્તા પર શેડ બાંધવાના બદલે ઝાડ લગાવવા જણાવ્યું હતું.
અહીં નોંધનીય બાબત એ છે કે કમિશનર રીવ્યુ બેઠકમાં સીસીઆરએસની ફરિયાદોની યાદી લઈને ચર્ચા કરે છે જે તેમને ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ આપી રહયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે રીવ્યુ બેઠકની ચર્ચામાંથી સાબરમતી પ્રદુષણનો મુદ્દો બીલકુલ ગાયબ જ થઈ ગયો છે. આ ઉપરાંત એસટીપી અને ડ્રેનેજને લગતી પણ કોઈ ચર્ચા નવા કમિશનરે પદભાર સંભાળ્યા બાદ કરી નથી તેથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સીટી ઈજનેર વિજય પટેલ નવા કમિશનરની અત્યંત નજીક હોવાનું માનવામાં આવે છે.