Western Times News

Gujarati News

200 ખેડૂત નેતાઓની અટકાયતઃ પંજાબના ખેડૂતો આંદોલન શરૂ કરે તે પહેલાં જ અટકાયત

(એજન્સી)ચંડીગઢ, પંજાબના ખેડૂતો વિવિધ પડતર માગણીઓને લઇને ફરી સરકાર સામે આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે, જેને લઇને પાંચ માચર્ના રોજ ચંડીગઢમાં મોરચાનું આયોજન કરાયું છે. જોકે આ મહાપંચાયત યોજાય તે પૂર્વે જ પંજાબમાં અનેક ખેડૂતો અને તેમના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

હાલ અનેક નેતાઓના ઘરો પર પોલીસ પહોંચી રહી છે. એક રિપોર્ટ મુજબ પંજાબમાં આશરે ૨૦૦ ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

ભારતીય કિસાન યુનિયન ઉગરાહાંના અધ્યક્ષ જોગિંદરસિંહના ઘર પર પોલીસ પહોંચી હતી જોકે તેઓ હાજર નહોતા, બરનાલા જિલ્લામાં પણ અનેક ખેડૂત નેતાઓના ઘરે પોલીસ પહોંચી હતી. પાંચ માચર્ના રોજ ચંડીગઢમાં ખેડૂતોની વિશાળ સભા યોજાવાની છે જ્યાં આ ખેડૂત નેતાઓ પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી રહી છે. પાતડાંમાં ખેડૂત નેતા કુલવંતસિંહને નજરકેદ કરવામાં આવ્યા છે. તેઓ કુલ હિંદ કિસાન સભાના ઉપાધ્યક્ષ છે.

કુલ હિંદ કિસાન સભા તે સંયુક્ત કિસાન મોરચાનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં કૃષિ કાયદાઓ સામે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું હતું.

કિસાન નેતા સરવનસિંહ પંધેરે દાવો કર્યો હતો કે પંજાબ સરકાર દિલ્હીની ચૂંટણીમાં આપની થયેલી હારનો ગુસ્સો ખેડૂતો પર કાઢી રહી છે. પંજાબમાં લોકો સરકારની નીતિઓ અને કરાયેલા વચનો તેમજ નશાના વધી રહેલા પ્રમાણથી કંટાળી ગયા છે.

સવારથી ખેડૂતોની અટકાયત કરાઇ રહી છે. લોકશાહીમાં અમને ધરણા પ્રદર્શનનો અધિકાર છે, ભગવંત માન ખેડૂત નેતાઓ વચ્ચેના વિવાદનો ફાયદો ઉઠાવવા માગે છે. આ પહેલા સોમવારે સંયુક્ત કિસાન મોરચા રાજકારણના ૪૦ નેતાઓએ પંજાબના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી, જોકે ભગવંત માન બેઠકમાંથી જતા રહ્યા હતા, જેથી ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.