મહીસાગરમાં લેબોરેટરી ટેકનિશ્યનોએ પડતર પ્રશ્નોનો મુદ્દે લડતની ચીમકી ઉચ્ચારી

જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરી
(પ્રતિનિધિ) વીરપુર, મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતાં લેબોરેટરી ટેકનિશ્યનોના પડતર પ્રશ્ન બાબતે વારંવાર રજુઆત છતાં કોઇ ઉકેલ ન આવતા આખરે કર્મચારીએ વધુ એક વખત આંદોલાત્મક કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી છે.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશ્યન (પેથોલોજી) મહામંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશ્યન કેડરના પડતર પ્રશ્નો માટે સરકારમાં વખતો વખત અનેક રજુઆત કરવા ઉપરાંત ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૪ અને ૨૧મી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કમિશનર – આરોગ્યની અધ્યક્ષતામાં રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. આમ છતાં નાણા, આરોગ્ય અને પંચાયત વિભાગની સંયુક્ત બેઠક ન આપતા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.
આ અંગે કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અન્ય વિભાગ કેડરના પ્રશ્નો બાબતે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને નાણાકિય વધારો કર્યો છે. જ્યારે અમારી માગણી અર્થે અમને તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તમામ સૈદ્ધાંતિક પુરાવા આપેલા હોવા છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આપતા અને અમારી કેડરની સરેઆમ ઉપેક્ષાની લાગણી થતા લેબોરેટરી ટેકનિશ્યન કેડરમાં રોષની લાગણી વ્યાપી છે.
લેબોરેટરી ટેકનિશ્યન પત્રક ૧ મુજબના પડતર પ્રશ્નો સહિત લેબોરેટરી ટેકનીશ્યનના મુખ્ય પડતર પ્રશ્નો એવા નાણા વિભાગના ઠરાવની અમલવારી લેબોરેટરી ટેકનીશ્યનો માટે કરવા તેમજ અન્ય વહીવટી પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે આશયથી ૩૩ જિલ્લાની કારોબારીમાં થયેલા નિર્ણય મુજબ આંદોલનના કાર્યક્રમો આપવાની ફરજ પડી છે.
આ આંદોલાત્મક કાર્યક્રમ મુજબ ૪થી માર્ચથી મહામંડળના હોદ્દેદાર ખજાનચી ગાંધીનગર ખાતે અનશન ધરણા – ઉપવાસ પર ઉતરશે. ૧૧મી માર્ચથી લેબોરેટરી ટેકનિશ્યનો માસ સીએલ સાથે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કરી વિરોધ પ્રદર્શન કરશે. આ રેલી સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી યોજાશે.