વિરપુરમાં ફિલ્મીઢબે બે જૂથ વચ્ચે મારામારીઃ ૭ વ્યક્તિઓ ઘાયલ

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકા મથકે છેલ્લા કેટલાક સમયથી પોલીસની નબળાઇના કારણે માથાભારે શખ્સો છાટકા કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થાને ખિસ્સામાં લઇ ફરતાં આ શખ્સો વારંવાર ગામનું વાતાવરણ ડહોળતાં રહે છે
વિરપુરના ધોરાવાડા રોડ પર બે જુથે ફિલ્મીઢબે સામસામે આવીને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો જેમાં ૭ ઘાયલ અને ત્રણ કારના કાચ સહિત અન્ય તોડફોડ કરી હતી.
જેના કારણે સામાન્ય નગરજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ હતી. વિરપુરની અંબિકા સોસાયટીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે પોલીયો શનાભાઇ પરમાર ૨જી માર્ચના રોજ બપોરના ચારેક વાગે તેમના મિત્રની કાર લઇને અન્ય સાથીદારો સાથે રાજેન્દ્રસિંહ રાઠોડના પિતાની ખબર જોવા જમાલપુર ગામમાં ગયાં હતાં. તેઓ ખબર પુછી પરત આવી રહ્યાં હતાં
તે સમયે રાત્રિના નવેક વાગ્યે સીએનજી પેટ્રોલ પંપની સામે વળાંકમાં કિરણ ભાથી પરમાર, તેનો ભાઇ મુકેશ, પિતા ભાથીભાઈ (રહે. જમાલપુર) તથા રણજીત પગી (રહે. ઉમરીયા) પોતાની કાર સાથે રોડ પર ઉભા હતાં. આ શખ્સોએ મહેન્દ્રની કારને રોકી તને ગાડી લઇને અહીં આવવું નહીં તેમ કહેવા છતાં કેમ ગાડી લઇને આવ્યાં છો ? તેમ કહી અપશબ્દ બોલી લાકડાના દંડાથી હુમલો કર્યો હતો.
જેમાં ગાડીના કાચ તોડી નાંખ્યાં હતાં. આ ઝઘડામાં મહેન્દ્ર, કલ્પેશ, નૈમેષ સહિતના મિત્રોને ઇજા પહોંચી હતી. આ અંગે વિરપુર પોલીસે મહેન્દ્ર પરમારની ફરિયાદ આધારે કિરણ ભાથી પરમાર, મુકેશ ભાથી પરમાર, ભાથી ભીખા પરમાર અને રણજીત કેસરા પગી સામે ગુનો નોંધ્યો હતો. સામાપક્ષે કિરણ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨જી માર્ચના રોજ કારમાં આવેલા કેટલાક શખ્સ અપશબ્દ બોલી રહ્યાં છે.
આથી, કારમાં સવાર શખ્સોને પકડવા ધોરાવાડા બાજુ તેમની પાછળ ગયાં હતાં. તેમને સીએનજી પેટ્રોલ પંપ પાસે રોક્યાં હતાં. આ સમયે કિરણે કારમાં સવાર જયદીપ ચૌહાણને અપશબ્દ બોલવા બાબતે ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાડીમાંથી લોખંડની પાઇપ લઇ હુમલો કર્યો હતો. જેમાં ભાથીભાઇને માથામાં મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી.