તોલમાપ વિભાગનો સપાટોઃ 17 જગ્યાએ નિયમ ભંગ લાગતા રૂ.૧૦ હજાર દંડ

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર નગરમાં તોલમાપ વિભાગે અચાનક જ કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીથી વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ તે પહેલા તોલમાપ વિભાગ દ્વારા ૪૨ દુકાનમાં તપાસ કરી હતી જેમાં ૧૭ જગ્યાએ નિયમ ભંગ લાગતા રૂ.૧૦ હજાર જેવો દંડ વસુલ્યો હતો.
વિરપુર ખાતે તોલમાપ વિભાગ દ્વારા બુધવારના રોજ અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી તોલમાપના કોઇ અધિકારી વિરપુરમાં ફરક્યા પણ ન હોવાથી વેપારીઓ બેફામ બની ગયાં હતાં પરંતુ અચાનક થયેલી કામગીરીથી દોડધામ મચી હતી. વિરપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી કરીયાણાની અને ફરસાણની વજનથી વેચાતી ચીજ – વસ્તુની દુકાનો ઉપર તોલમાપ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તોલમાપની ટીમ દ્વારા અનેક દુકાનો ઉપર રહેલા વજનકાંટાની ચકાસણી કરી હતી અને જે દુકાનદારનાં વજનકાટા નિયમોનુસાર જણાયા ન હતાં. તેમને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વિરપુરમાં તોલમાપ વિભાગ દ્વારા દિવસભર ૪૨ જેટલી અલગ અલગ દુકાનો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ જેટલી દુકાનો પર દંડનીય કાર્યવાહી કરાઈ હતી.
જોકે વિરપુર નગરમાં એકાએક કાર્યવાહીથી દુકાનદારો અને ધંધાર્થીઓ ઉંઘતા ઝડપાયાં હતાં આ કાર્યવાહીમાં અનેક વેપારીઓએ વજનકાટા નિયમ મુજબ પ્રમાણીત કરાવ્યા ન હતા જ્યારે વેપારીઓનાં જણાવ્યા મુજબ પ્રમાણીત કરવાના કેમ્પ પણ ઘણાં વરસોથી વિરપુર ખાતે યોજાયો જ નથી.
જેને કારણે દંડનો ભોગ બન્યા છીએ આથી, દંડની પાવતી ફાડવાને બદલે વાર્ષિક નિયમ મુજબ કેમ્પ યોજીને વજનકાટા રેગ્યુલર પ્રમાણીત થઈ જાય તે દિશામાં કાર્યવાહી કરવી જોઇએ તેવી માગ વેપારીઓમાં ઉઠી છે.