ટ્રમ્પના ટેરિફ ટાર્ગેટથી ભારતને સાત અબજ ડોલરનું નુકસાન

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પ્રથમ વક્તવ્ય દરમિયાન પોતાની આકરી ટેરિફ નીતિનો બચાવ કર્યાે હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત સહિત વિશ્વના અનેક દેશો અમેરિકાની વસ્તુઓ પર ઊંચા ટેરિફ વસૂલે છે. અમેરિકા હવે જેવા સાથે તેવાની નીતિ અપનાવશે અને સમાન ટેરિફ દરની જોગવાઈમાં ભારતને રાહત અપાશે નહીં. બીજી એપ્રિલથી ભારતને ટેરિફ ટાર્ગેટ બનાવવાના ટ્રમ્પના નિર્ણયથી ઓટોથી માંડી એગ્રીકલ્ચર સુધીના નિકાસ ક્ષેત્રોમાં ગભરાટ ફેલાયો છે.
સિટી રિસર્ચના એનાલિસીસ મુજબ, અમેરિકાના આ પગલાથી ભારતને ૭ અબજ ડોલરનું વાર્ષિક નુકસાન થઈ શકે છે. ‘અમેરિકા ફર્સ્ટ’ના એજન્ડાનું વારંવાર રટણ કરી રહેલા ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, યુરોપીય રાષ્ટ્રો, ચીન, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, કેનેડા સહિત અસંખ્ય દેશો આપણા કરતાં વધારે ટેરિફ વસૂલે છે. અન્ય દેશો દાયકાઓથી અમેરિકા પાસેથી ઊંચા ટેરિફ વસૂલે છે અને તે અન્યાય છે.
ભારત ૧૦૦ ટકાથી વધારે ઊંચા ઓટો ટેરિફ વસૂલે છે. આ પદ્ધતિ અમેરિકા માટે નુકસાનકારક છે અને તેથી ૨ એપ્રિલથી સમાન ટેરિફનો અમલ થશે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ વધારા ઉપરાંત અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પણ ટેરિફ લાગુ કરી દીધી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ઓટોમેકર્સને મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પરની ટેરિફ પર એક મહિનાની રાહત આપી છે.ટ્રમ્પ તંત્રના આ નિર્ણયને વૈશ્વિક વ્યાપાર માટે નુકસાનકારક ગણાવીને કેનેડાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ફરિયાદ કરી છે.
અમેરિકા મનસ્વી રીતે ટેરિફ વસૂલતું હોવાનો દાવો કરી ટેરિફ વધારો પરત ખેંચાવવા માગણી કરી છે. ટ્રમ્પના ટેરિફ ટાર્ગેટમાંથી અત્યાર સુધી ભારત બચતું આવ્યું છે, પરંતુ આ લટકતી તલવાર હવે વિંઝાવાની તૈયારીમાં છે. બીજી એપ્રિલથી ટ્રમ્પે ભારત સહિતના અન્ય દેશો પર સમાન ટેરિફ વસૂલવાનું એલાન કર્યું છે.
બ્લૂમબર્ગ ઈકોમોનોમિસ્ટ માએવા કઝિન અને ડ્યૂશ બેન્કના જ્યોર્જ સારાવેલોસનું માનવું છે કે, ભારત અને અમેરિકાના ટેરિફ દર વચ્ચે મોટું અંતર છે અને તેથી વળતો જવાબ મળવાનું નક્કી હતું. અમેરિકાના સામાન પર ભારત ૧૦ ટકા વધારે ટેક્સ વસૂલે છે.
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ, અમેરિકા સમાન કરને લાગુ કરે તો ભારત અને થાઈલેન્ડને ૪થી ૬ ટકા જેટલો ટેરિફ વધારો ભોગવવો પડશે. સિટી રિસર્ચના અનુમાન મુજબ, ટ્રમ્પના આ પગલાની અસર ભારતના ઓટોથી માંડી એગ્રીકલ્ચર સુધીના ક્ષેત્રો પર પડશે.
ભારતમાંથી કેમિકલ, મેટલ પ્રોડક્ટ્સ અને જ્વેલરીની સૌથી વધુ નિકાસ થાય છે. ત્યારબાદ ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને ફૂડપ્રોડક્ટ્સ આવે છે. ૨૦૨૪માં ભારતે અમેરિકામાં ૭૪ અબજ ડોલરની નિકાસ કરી હતી. તેમાં ૮.૫ અબજ ડોલરના જ્વેલરી-જેમ્સ, ૮ અબજ ડોલરની દવાઓ અને ૪ અબજ ડોલરના પેટ્રોકેમિકલ્સ હતા.
ભારતે ૨૦૨૩માં એકંદરે ૧૧ ટકા ટેરિફ વસૂલી હતી, જે અમેરિકાએ ભારતીય નિકાસ પર લાદેલા ટેક્સની સરખાણીએ ૮.૨ ટકા વધારે ઊંચી હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે થયેલી ટપાટપી બાદ યુરોપના દેશોએ એક અવાજે યુક્રેનને સપોર્ટ કર્યાે છે.SS1MS