મોડાસામાં પાણીની તંગીને પહોંચી વળવા ૧પ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી બનાવાશે

પ્રતિકાત્મક
પાણી પહોંચાડવા બે કિ.મી. લાંબી પાઈપલાઈન નંખાશે
મોડાસા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નિરજભાઈ શેઠ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલ અને પાણી પુરવઠા વિભાગના ઈજનેર દેવાંગભાઈ સોનીના જણાવ્યા મુજબ મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાની પારીગૃહ યોજના હેઠળ ૧૯ હજાર નળ કનેકશન ધારકોને પીવાનું પાણી પુરૂ પડાયું છે.
આ નગરપાલિકા દ વિસ્તારના આ નવી કનેકશન ધારકોને રહેણાંક અને વાણિજય કોમર્શીયલ એકમો માટે જરૂરી પાણીની માંગને પહોંચી વળવા રોજ બરોજ ૧ર.પ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત વર્તાઈ રહી છે. આ પાણીની માંગને લઈને માઝુમ ડેમ જળાશયમાંથી રોજબરોજ ૧ કરોડ લીટર પાણી મેળવવામાં આવે છે. આમ ૧૯ હજાર નળ કનેકશન ધારકોને રોજ ૧.રપ કરોડ લીટર પાણીનું વિતરણ થાય છે.
જયારે મોડાસા નગરજનોને શુધ્ધ પીવાનું પાણી નગરપાલિકાના પારિગૃહ યોજના હેઠળ પુરૂ પડાય છે. નગરજનોની પીવાના પાણીની માંગને પહોંચી વળવા અમૃત ર.૦ યોજના હેઠળ આગામી દિવસોમાં ૧પ એમ.એલ.ડી. નો ફિલ્ટર પ્લાન્ટ, ૧પ લાખ લિટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી અને પાણી વહન માટે ર કી.મી. લાંબી પાઈપ લાઈનનો પ્રોજેકટ પાલિકાના વહીવટ કર્તાઓ દ્વારા હાથ ધરાયો છે. આમ મોડાસા નગરમાં રૂપિયા ૮ કરોડના ખર્ચે નવો ફિલ્ટર પ્લાન્ટ, ટાંકી તથા પાઈપ લાઈન નખાશે.
મોડાસાના નગરજનોની પીવાના પાણીની માંગને પહોંચી વળવા અમૃત યોજના હેઠળ વિવિધ પ્રોજેકટો હાથ ધરાઈ રહ્યા છે. જેમાં મોડાસા નગરની સર્વોદય નગર વિસ્તારમાં ૧પ એમ.એલ.ડી. ક્ષમતાવાળો ક્રવેન્શનલ ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરાશે. આ પ્લાન્ટ વડે દરરોજ ૧.પ૦ કરોડ લીટર પાણી શુધ્ધ કરશે. તેમ પ્રમુખ નિરજભાઈ શેઠએ જણાવ્યું હતું.