સોખડા ગામે એસિડ એટેકમાં દાઝેલી મહિલાનું મૃત્યુ

મૃતકની પિતરાઈ બહેને અન્ય યુવાન સાથે પ્રેમલગ્ન કરી લેતા મંગેતરે હુમલો કર્યો હતો
રાજકોટ, કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે પિતરાઈ બહેનએ અન્ય યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધાનો ખાર રાખીને સગાઈ કરાવનાર પરિણીતા પર પિતરાઈ બેનના મંગેતરે કરેલા એસિડ એટેકમાં દાઝી ગયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે પોલીસે જેલમાં ધકેલાયેલા મંગેતર વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, સોખડા ગામે રહેતા વર્ષાબેન માધવભાઈ ગોરિયા નામની મહિલા ગત તા.રર/૧ના ઘર પાસે હતી ત્યારે સોખડા ગામમાં રહેતો અને કાકાની દીકરી પારસબેનનો મંગેતર પ્રકાશ પ્રવિણ સરવૈયા આવ્યો હતો અને ઝઘડો કરી સ્ટીલની બરણીમાંથી એસીડ ફેંકતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી વર્ષાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસે વર્ષાબેન ગોરિયાની ફરિયાદ પરથી સોખડા ગામના પ્રકાશ પ્રવીણ સરવૈયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી વર્ષાબેનના સગા કાકા જેરામભાઈ મનજીભાઈ મકવાણાની પુત્રી પારસબેનની સગાઈ સોખડા ગામના પ્રકાશ સરવૈયા સાથે એક વર્ષ પહેલા કરાવી હતી.
જોકે પારસબેને સગાઈના બે માસ બાદ કોઠારિયામાં રહેતા યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હોય તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. આથી વર્ષાબેન પાસે અવાર નવાર પ્રકાશ આવતો હતો અને પારસબેનનું સરનામું માગતો હતો અને તેને શોધી આપવાની વાત કરતો હતો. દરમિયાન ગત તા.રર/૧ના પ્રકાશ આવ્યો હતો અને એસિડ એટેક કર્યો હતો અને વર્ષાબેન ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે સોખડાના પ્રકાશ સરવૈયા વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.