પુસ્તકો માત્ર જ્ઞાનના સ્ત્રોત જ નથી પરંતુ પરંપરા અને વારસાના વાહક પણ છે.: અમિત શાહ

સસ્તુ સાહિત્યનાં ૨૪ પુનઃ મુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું
અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત ૨૪ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ૧૧૫ વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અમદાવાદ ખાતે આયોજિત ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.

આ પ્રસંગે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે તેને આગળ ધપાવવા–પોષવા સારસ્વત લોકો આગળ આવે.
ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, નરસિંહ મહેતા, સુંદરમ્ જેવા અનેક ગુજરાતી સાહિત્યકારો એ આપેલો સાહિત્ય વારસો જાળવવાની અને તેનું સંવર્ધન કરવાની જવાબદારી ગુજરાતી ભાષાના સારસ્વતો, ચાહકો, ભાષાવિદોની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા – તાલુકાઓમાં પુસ્તકાલય માટે મોટી રકમની ફાળવણી કરી છે, તે પ્રશંસાને પાત્ર છે. સાહિત્યમાં સત્વ ઉમેરવાનું, વાંચનને વધુ રસપ્રદ બનાવવાનું કામ સારસ્વત લેખકોએ જ કરવું જોઈશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિચારોની ઊંચાઈ પ્રાપ્ત કરવા અને વિચારોને સદમાર્ગે વાળવાનું કામ વાંચન કરી શકે, બીજું કોઈ નહીં. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પુસ્તકાલયમાં લોકોની સંખ્યા કેટલી છે, તે મહત્ત્વનું છે.
બાળક કે વિદ્યાર્થી નાનપણથી વાંચવાની ટેવ રાખશે, ઇન્ટરનેટના આકર્ષણો વચ્ચે પણ વાંચનની ટેવને જાળવી રાખશે તો જીવનમાં આવનારી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ કે વિÎનો વચ્ચે ટકી જશે.