AMCની આર્થિક સ્થિતિ કથળી: નર્મદા નીરના રૂ.૭૩પ કરોડ ચુકવવાના બાકી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન નાગરિકો પાસેથી દંડો પછાડી ટેક્ષ વસુલ કરે છે પરંતુ પાણીના બીલ પેટે સરકારના બાકી રૂ.૭૦૦ કરોડ કરતા વધુ રકમ ચુકવવામાં ઠાગાઠૈયા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરીજનોને નર્મદાના પાણી સપ્લાય કરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા વિવિધ કેનાલોમાંથી નર્મદાના પાણી મનપાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સપ્લાય છે અને ત્યાંથી પાણી ટ્રીટ કરી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ રાજય સરકાર તરફથી આ પાણી વિનામુલ્યે આપવામાં આવી રહયું નથી.
સરકાર દ્વારા નર્મદાના પાણી પેટે મોટી રકમના બીલો કોર્પોરેશનને આપવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન નાગરિકો પાસેથી દંડો પછાડી ટેક્ષ વસુલ કરે છે પરંતુ પાણીના બીલ પેટે સરકારના બાકી રૂ.૭૦૦ કરોડ કરતા વધુ રકમ ચુકવવામાં ઠાગાઠૈયા ચાલી રહયા છે. સરકાર દ્વારા પાણીની બાકી રકમ પેટે ભુતકાળમાં વ્યાજની પણ ગણતરી કરવામાં આવી હતી.
રાજય સરકાર દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને પ્રતિ કિલો લીટર રૂ.૪.૮૭ના ભાવથી નર્મદાના પાણી સપ્લાય કરવામાં આવે છે. ભુતકાળમાં સરકાર દ્વારા નર્મદાના પાણીના ભાવમાં દર વર્ષે ૧૦ટકાનો વધારો કરવામાં આવતો હતો. ર૦ર૦-ર૧માં આ ભાવ રૂ.૩.૮૦ હતો જે એપ્રિલ- ર૦ર૩માં વધીને રૂ.પ.૦પ થયો હતો. ત્યારબાદ સરકાર દ્વારા ભાવ રિવાઈજ કરવામાં આવ્યા હતાં અને ૧૦ ટકાના બદલે ૩ ટકા લેખે જ ભાવ વધારો કરવામાં આવતા પાણીના ભાવમાં ઘટાડો થયો છે.
પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીની રકમ સમયસર ચુકવવામાં આવતી ન હોવાથી સરકાર તરફથી બાકી લ્હેણા પર વ્યાજની ગણતરી પણ કરવામાં આવી હતી. જોકે ર૦૧૯-ર૦માં રાજય સરકારે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરી હતી તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વ્યાજ બાદ ચુકવવા પાત્ર રકમની ગણતરી કરવામાં આવી રહી છે પરંતુ તે રકમ ચુકવવામાં આવતી નથી.
રાજય સરકાર તરફથી કોર્પોરેશનને જે પાણી સપ્લાય કરવામાં આવે છે તેના પેટે ડીસેમ્બર-ર૦ર૪ની સ્થિતિએ રૂ.૭૧૦ કરોડ ચુકવવાના બાકી રહે છે. આ ઉપરાંત અમદાવાદ ઈરીગેશન ડીપાર્ટમેન્ટના રૂ.૬.પ૭ કરોડ અને શેઢી કેનાલના ર૦ર૦ પહેલાના રૂ.ર૦.૪૪ કરોડ બાકી છે.