Western Times News

Gujarati News

ટેક્સદરોમાં વધુ ઘટાડાનો નાણામંત્રીએ આપ્યા સંકેત

નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના દરોને તર્કસંગત બનાવવાની કામગીરી પૂરી થવા આવી હોવાથી જીએસટીના દરોમાં વધુ ઘટાડો થશે.

જીએસટીનો જુલાઇ ૨૦૧૭માં અમલ કરાયો ત્યારે રિવન્યૂ ન્યુટ્રલ રેટ ૧૫.૮ ટકા હતો, જે ૨૦૨૩માં ઘટી ૧૧.૪ ટકા થયો હતો અને તેમાં વધુ ઘટાડો થશે. દિલ્હીમાં એક મીડિયા કાર્યક્રમમાં બોલતા નાણાંમંત્રી સીતારામને જણાવ્યું હતું કે GST સ્લેબને સરળ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ અંગે જીએસટી કાઉન્સિલ ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લે તેવી અપેક્ષા છે.

હાલના તબક્કે પ્રધાનોના જૂથ (જીઓએમ)એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. હવે આવા તમામ પ્રધાનોના ગ્રૂપની સમીક્ષા કરાશે આ પછી અંતિમ નિર્ણય કરવા માટે કાઉન્સિલ સમક્ષ આ દરખાસ્ત રજૂ કરાશે. જીએસટી દરો અને સ્લેબમાં ફેરફાર સૂચવવા માટે સપ્ટેમ્બર ૨૦૨૧માં જીઓએમની સ્થાપના કરવામાં આવી હતી.

આ સમિતિમાં છ રાજ્યોના નાણામંત્રીઓનો સમાવેશ થાય છે અને તે કર પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવા પર કામ કરી રહી છે. તર્કસંગતકરણ પ્રક્રિયામાં ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડો, દરોને સુવ્યવસ્થિત કરવા અને વિવિધ ઉદ્યોગો દ્વારા ઉઠાવવામાં આવેલી મુખ્ય ચિંતાઓનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દરખાસ્ત રજૂ કરતા પહેલા અંતિમ સમીક્ષા ચાલી રહી છે. અમે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ, ટેક્સમાં ઘટાડો, દરોનું તર્કસંગત બનાવવા, સ્લેબની સંખ્યા વગેરે પર અંતિમ નિર્ણય લેવાની ખૂબ નજીક છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.