NPSS એપ્લિકેશન અંગે અમદાવાદ જિલ્લાના ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા

અરણેજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસીય તાલીમનું આયોજન –ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શન થકી પ્રાકૃતિક કૃષિ અને જૈવિક નિયંત્રકો અંગે જાણકારી આપવામાં આવી
તીડ અને સંકલિત જીવાત વ્યવસ્થાપન કેન્દ્ર, ભારત સરકાર વડોદરા એકમ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજના સંયુક્ત ઉપક્રમે અરણેજ ખાતે બે દિવસીય માનવ સંસાધન વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત વડોદરા ખાતેથી ડૉ. હુલાગપ્પા, ડૉ. એમ. એ. મન્સુરી, ડૉ. બી. ઠોમરે, ડો. વી. શાંતિયા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી ડૉ. કે. ડી. ગુલકરી, વૈજ્ઞાનિક, ડૉ. એન. કે. રાઠોડ, વૈજ્ઞાનિક (પા.સં.) અને ખેડીવાડી વિભાગ તરફથી શ્રી રવિન્દ્ર રાઠોડ, મદદનીશ ખેતી નિયામક, ધોળકા દ્વારા ઉપસ્થિત ખેડૂતોને વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય અમદાવાદ જિલ્લાના ખેડૂતોને એન.પી.એસ.એસ. એપ(National Pest Surveillance System Application) અંગે માહિતગાર કરવાનો હતો જેથી ખેડૂતો મોબાઈલ એપ દ્વારા જ રોગ અને જીવાતની ઓળખ કરી શકે, પાકને નુકશાનના પ્રકાર અને લક્ષણો દ્વારા સમયસર અને અસરકારક અટકાયતી પગલાં લઈ, ખેતી ખર્ચ ઘટાડી, ઉત્પાદન અને નફો વધારી શકે તે હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિસ્તારના મુખ્ય પાકો જેવા કે ઘઉં, ચણા, ડાંગર, કપાસ અને શાકભાજીમાં આવતા વિવિધ રોગો અને જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત ચર્ચાનું આયોજન કરી ક્ષેત્રીય મુલાકાત દ્વારા ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શન થકી પ્રાકૃતિક કૃષિ અને જૈવિક નિયંત્રકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ખેડૂતોએ આ એપનો વપરાશ કરી ડિજિટલ ઈન્ડિયામાં પોતાનો ફાળો આપી ઓછામાં ઓછા રાસાયણિક જંતુનાશકો વાપરવાનો સંકલ્પ કરી તાલીમનું સમાપન કર્યું હતું.
અમદાવાદ જિલ્લાના પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની સાથે સંકળાયેલા તથા અન્ય પ્રગતિશીલ ખેડુતો એમ કુલ 75 ખેડૂત ભાઈ-બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.