હરિયાણાના દયાનંદમઠ, રોહતકમાં આર્ય મહાસંમેલનનું ભવ્ય આયોજન

આર્ય સમાજ ગૌ – કૃષિની રક્ષા માટે સતત પ્રયત્નશીલ રહે : શ્રી આચાર્ય દેવવ્રત
નશામુક્તિ, અસ્પૃશ્યતા, જાતિવાદ અને સામાજિક કૂરીવાજો દૂર કરવામાં આર્યસમાજનું યોગદાન પ્રશંસનીય : હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેય
આર્ય સમાજ સમગ્ર સમાજ માટે દિશા-નિર્દેશક : હરિયાણાના શિક્ષણ મંત્રી શ્રી મહિપાલ ઢાંડા
આર્ય મહાસંમેલનમાં ગુંજ્યા વેદોના સ્વર, ધર્મ અને સમાજ ઉન્નતિ પર ચર્ચા
યુગપ્રવર્તક, સમાજ સુધારક અને આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જયંતિ અને આર્યસમાજની સ્થાપનાના ૧૫૦મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં આર્ય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એ ક્રમમાં હરિયાણાના દયાનંદમઠ, રોહતકમાં આર્ય મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભની અધ્યક્ષતા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કરી, જ્યારે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજી અને હરિયાણાના શિક્ષણ મંત્રી શ્રી મહિપાલ ઢાંડાજી મુખ્ય અતિથિ તરીકે રહ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદની જન્મભૂમિ ટંકારામાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમની સરાહના કરી. તેમણે કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતિ પર દેશભરમાં આર્યસમાજ દ્વારા સંચાલિત નવજાગરણ અભિયાન પ્રશંસનીય છે. તેમણે મહર્ષિ દયાનંદજીના છઠ્ઠા નિયમને યાદ કરાવતાં જણાવ્યું કે, સમાજ માટે હંમેશા ઉપકારક કરવું એ આર્યોનું મુખ્ય કાર્ય છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્ત્રીશિક્ષણ માટે મહર્ષિ દયાનંદજીની મૂલ્યવાન શિક્ષણપદ્ધતિને સ્થાપિત કરવા પર ભાર મૂકતાં કહ્યું કે મહર્ષિ દયાનંદના સિદ્ધાંતો દ્વારા નારી ઉન્નતિ ઝડપથી થઈ છે, મહિલા શિક્ષણને આગળ ધપાવવું જરૂરી છે. તેમણે આર્યસમાજને ગૌ, કૃષિ અને પર્યાવરણના સંરક્ષણ માટે વધુ પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી. તેમણે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી ઉભરાઈ રહેલા દવાખાનાઓને જોઈ દુઃખ વ્યક્ત કર્યું અને આર્યસમાજને આ દિશામાં ઉદ્દીપક તરીકે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું.
પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે, ગ્લોબલ વૉર્મિંગના ખતરાને અવગણી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતી, ખાસ કરીને યુરિયા અને ડી.એ.પી.ના અંધાધુંધ ઉપયોગથી બીમારીઓ વધી રહી છે અને સારવારનો ખર્ચ પણ વધતો જાય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘રાષ્ટ્રીય
પ્રાકૃતિક ખેતી મિશન’ની જાહેરાત કરીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપ્યું છે. આ મિશન માટે તેમણે ૧૪૮૧ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. સાહિવાલ ગાય – દેશી ગાયના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે સસ્તી અને વધુ અસરકારક છે. તેમણે જણાવ્યું કે હવે દેશમાં ઉન્નત જાતિના બીજ (સીમન) માટે નવી ટેક્નોલોજી ઉપલબ્ધ છે, જેમાં માત્ર ૫૦ રૂપિયામાં બીજ મળી શકે છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પશુજાત સુધારણા માટે એક અલગ મિશન પણ પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કર્યું છે. તેથી, વધુને વધુ ખેડૂતો દેશી ગાય પાળે અને ખેતીને વધુ આરોગ્યપ્રદ અને ઓછી ખર્ચાળ બનાવે.
હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજીએ મહર્ષિ દયાનંદના વેદ પ્રચારની પ્રશંસા કરતા વેદોને ધર્મનો આધારસ્તંભ ગણાવ્યો. તેમણે કહ્યું કે મહર્ષિ દયાનંદ દ્વારા રચાયેલા ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથે સમાજમાં જાગૃતિની આહલેક જગાડી છે. તેમણે નશામુક્તિ, અસ્પૃશ્યતા, જાતિવાદ અને અન્ય સામાજિક કૂપ્રથાઓ દૂર કરવા આર્યસમાજના યોગદાનને વખાણ્યું હતું.
હરિયાણાના શિક્ષણ મંત્રી શ્રી મહિપાલ ઢાંડાજી એ આર્યસમાજને સમાજનું દિશા-નિર્દેશક ગણાવ્યું અને ગામડાઓમાં આર્યસમાજના સિદ્ધાંતો અને સંસ્કારોની પ્રાચીન પરંપરાને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે આર્યસમાજને ૧૪૦ કરોડ ભારતીયોની ઉન્નતિના પુરોધા ગણાવ્યો અને કહ્યું કે જો આર્યસમાજ વધુ ગતિ પામે, તો આગામી ૨૦-૩૦ વર્ષમાં ભારત ‘વિશ્વગુરુ’ બની શકે.
આ મહાસંમેલનમાં સ્વામી સુખાનંદ, શ્રી વિનય આર્ય, આચાર્ય ઓમપ્રકાશ, શ્રી પ્રકાશ આર્ય, શ્રીમતી સુકામા આર્યા, મુનિ સત્યજિત, સ્વામી દેવવ્રત અને સ્વામી પ્રણવાનંદ સરસ્વતી સહિત અનેક વિદ્વાનોએ મૂલ્યવાન પ્રવચનો આપ્યા હતા. આ અવસરે આર્ય પ્રતિનિધિ સભા હરિયાણાના પ્રમુખ શ્રી દેશબંધુ મદાન, મંત્રી શ્રી ઉમેદસિંહ શર્મા,
ઉપમંત્રી ડૉ. અનુરાગ ખટકડ, કોષાધ્યક્ષ શ્રીમતી સુમિત્રા આર્યા અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા. મંચ સંચાલનનું દાયિત્વ આર્ય પ્રતિનિધિ સભા હરિયાણાના ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકારે સંભાળ્યું હતું. આ સમારંભમાં સાધુ-સંતો, વિદ્વાનો અને ભજનોપદેશકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મહાસંમેલનમાં હરિયાણાના તમામ ૨૨ જિલ્લાઓ ઉપરાંત દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી હજારો આર્યજનોએ હાજરી આપી હતી.