પૂર્વ અમદાવાદ રિવરફ્રન્ટ પર CCTV કેમેરાના અભાવે ગુનાખોરી વકરી

પ્રતિકાત્મક
પોલીસે સીસીટીવી કેમેરા લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને પત્ર લખ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાત કિલોમીટરની જગ્યા એવી છે જ્યાં એક પણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી જેના કારણે પોલીસને હાલાકીનો સામનો કરવો પડે છે. આપણે વાત કરી રહ્યા છીએ રિવરફ્રન્ટના પૂર્વ પટ્ટાની,
જ્યાં હજુ સુધી એક પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. ડફનાળાથી આંબેડકરબ્રિજ સુધીના પૂર્વ રિવરફ્રન્ટમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી જેના લીધે પોલીસ ગુનાનો ભેદ ઉકેલી શકતી નથી. પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને અનેક પત્ર લખીને સીસીટીવી કેમેરા લગાવવા માટે માંગ કરી છે.
દેશ અને દુનિયામાં પ્રખ્યાત થયેલો સાબરમતસ રિવરફ્રન્ટ આજે અમદાવાદની એક ઓળખ બની ચૂકયો છે. સાબરમતી નદી રિવરફ્રન્ટ પર હજારો સહેલાણીઓ ફરવા માટે આવે છે. રિવરફ્રન્ટ પર બનેલા ફલાવર પાર્ક, અટલબ્રિજ સહિતની જગ્યા પર લોકો ફરવા માટે આવે છે. રિવરફ્રન્ટ પર સંખ્યાબંધ સરકારી કાર્યક્રમ, ગરબા સહિતના આયોજનો પણ થાય છે. અમદાવાદની શાન કહેવાતા રિવરફ્રન્ટમાં સીસીટીવીનો અભાવ જોવા મળી રહ્યો છે.
શહેરની મધ્યમમાંથી વહેલી સાબરમતી નદી નદીના બે છેડે રિવરફ્રન્ટ વેસ્ટ એમ બે નામ આપવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ વેસ્ટ પર ફલાવર પાર્ક, અટલબ્રિજ તેમજ ખાણીપીણીના સ્ટોલ હોવાના કારણે સહેલાણીઓની સુરક્ષાને લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરે છે જ્યાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે જ્યારે રિવરફ્રન્ટ ઈસ્ટમાં કોઈ ફરવાલાયક સ્થળ ન હોવાથી તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. રિવરફ્રન્ટ ઈસ્ટ નશેડીઓ તેમજ લુખ્ખાં તત્ત્વોનો અડ્ડો બની ગયો છે. આ સિવાય રસ્તે રખડતા લોકો અહીં મોડી રાતે સૂઈ જાય છે.
રિવરફ્રન્ટ ઈસ્ટમાં તંત્ર દ્વારા કોઈ સીસીટીવી કેમેરા લગાવેલા નથી જેના કારણે પોલીસને હાલાકીનો સામનો કરવો પડે છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પત્ર લખીને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી છે તેમ છતાંય હજુ સુધી એક પણ સીસીટીવી કેમેરા લગાવાયા નથી. રિવરફ્રન્ટ પૂર્વના વોકવે, ગ્રાઉન્ડ તેમજ રોડ પર કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને પૂરતા પૂરાવામળી રહે તેમજ અશ્લીલ ચેનચાળા કરતા યુવાનો અને જાહેરમાં બીભત્સ હરકતો કરતા કપલો પર લગામ લગાવી શકાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આત્મહત્યાના બનાવો રોકવા માટે લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી છે. જેના કારણે હવે લોકો સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરે છે. ત્યારે બીજી તરફ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર જાહેરમાં બીભત્સ હરકતો કરતા કપલને રંગેહાથ પકડવા માટેની કામગીરી પોલીસે શરૂ કરી છે. આવા અનેક કિસ્સાના કારણે રિવરફ્રન્ટ દિવસેને દિવસે ગુનાખોરીને લઈને ખતરનાક બનતો જાય છે.
તેવામાં સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે સીસીટીવી લગાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને દરખાસ્ત કરી છે. રિવરફ્રન્ટ પૂર્વમાં હાઈડેફિનેશન તેમજ નાઈટ વિઝનના કેમેરા લગાવવા માટે એએમસીને પત્ર લખ્યો છે.
રિવરફ્રન્ટ પર થોડા થોડા સમયે હુમલો, છેડતી, મારામારી જેવા અનેક કિસ્સા બની રહ્યા છે. આવી ઘટનાઓના ભેદ આસાનીથી ખુલી જાય અને પૂરતા પુરાવા પોલીસને મળી જાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે. પોલીસે રિવરફ્રન્ટ ઈસ્ટમાં પ૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટેની માંગ કરી છે. પોલીસને સાચી હકીકત મળતી ન હોવાથી સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે.