Western Times News

Gujarati News

ડાકોર જવાના ભક્તિપથ પર ભક્ત- ભક્તિ- સેવાનાં અદ્‌ભૂત ત્રિવેણી સંગમના દર્શન

જશોદાનગરથી ડાકોરના માર્ગ પર ઠેર ઠેર શમિયાંણા – ભક્તજનો માટે સુંદર વ્યવસ્થા, ભોજન-ભજનની સુવિધા વચ્ચે ઠાકોરજીના ગુણગાન કરતા ભક્તો

ક્યાંક લાઈવ ઢોકળા કે ગાંઠિયા, દાળ ભાત, શાક, મોહનથાળ, પૂરી છે તો ક્યાંક ભાજીર્પાવ પીરસવામાં આવે છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, કહેવાય છે કે ભક્તિમાં અપાર શક્તિ હોય છે. ભકતની ભક્તિ આગળ ત્રિલોકીનાથ પણ દોડીને આવે છે. ડાકોરમાં બેઠેલા ત્રણેય લોકોના સ્વામી રણછોડરાયના દર્શન કરવા જશોદાનગરથી ડાકોર તરફ જવાના ભક્તિપથ પર ભક્તોની શ્રધ્ધાના ઘોડાપૂર ઉમટ્યાના દ્રશ્યો સર્જાયા છે.

નાના-મોટા, અબાલ, વૃધ્ધ સૌ કોઈ ગુરૂવારના રોજ ફાગણી પૂનમે ડાકોરમાં જગત પિતાના દર્શન કરવા તલપાપડ છે. જશોદારનગરથી હાથીજણ સર્કલ થઈ ખાત્રજ થઈ છેક ડાકોરના માર્ગ પર ઠેર-ઠેર શમિયાંણા બાંધવામાં આવ્યા છે.

ઠાકોરજીના ભક્તોને કષ્ટ ઓછુ પડે તે માટે વર્ષોથી વ્યવસ્થાપન તંત્ર સક્રિય થઈ જાય છે. ભક્તોને ભાવતા ભોજનના રસથાળ પિરસવામાં આવે છે. ક્યાંક દાળ ભાત, શાક, મોહનથાળ, પૂરી છે તો ક્યાંક ભાજીર્પાવ, લાઈવ ઢોકળા કે ગાંઠિયા પીરસવામાં આવે છે.

સવારના નાસ્તો પણ ગરમાગરમ હોય છે ચા-છાશ, લીંબુના પાણીની વ્યવસ્થા દ્રષ્ટિમાન થાય છે અનેક લોકો પોતાની ટોળી, ગ્રુપ સાથે ડાકોરના પથ તરફ પ્રયાણ કરતા હોય તેવા મનમોહક દૃશ્યો જોવા મળે છે. અમુક ભકતો હાલમાં ધોમધખતા તાપમાં ચાલી રહયા છે તો કોક થોડાક પોરા ખાધા પછી આગળ વધે છે વહેલી સવારે- અર્થાત્‌ પરોઢિયે ભક્તોનો સમુહ વિશેષ ધ્યાન દોરે છે. હાથીજણ સર્કલથી તો સાંજ પડે એક તરફી માર્ગ કરી દેવાય છે.

ઠાકોરજીના વ્હાલાં ભક્તો નિર્વિધ્ને ભક્તિપથ કોઈપણ જાતના ભય-ચિંતા વિના આગળ વધે તે માટે પોલીસના જવાનો તેમની ફરજ બજાવી રહયા છે. આમ તો આપણે ત્યાં કહેવત છે કે ભક્તિનો માર્ગ શૂરાનો છે. જયાં હજાર હાથ વાળો રક્ષણકર્તા હોય ત્યાં ઠાકોરજીના સેવકોને ડર શેનો હોય ? ભગવાન પ્રત્યેની ભક્તોની અખૂટ શ્રધ્ધા, હિમાલય જેવા મજબુત મનોબળના દર્શન ભક્તિપથ પર થાય છે.

ભક્તો ભગવાનના ગુણગાન ગાતા-ગાતા જાય તે માટે અમુક સ્થાનો પર ડી.જે.ની ધૂન સાથે સ્ટેજની સુંદર વ્યવસ્થા કરાઈ છે. વિવિધ સમાજ, સ્વૈÂચ્છક સંગઠનો, રાજકીય સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, વ્યક્તિગત આયોજન, સમાજના આયોજન સાથે શમિયાણાં ઉભા કરાયા છે.

ભક્તિપથ પર ઠેર-ઠેર આરામ માટે અલાયદી વ્યવસ્થા છે. શમિયાંણામાં રજાઈ-ગોદડા પાથરવામાં આવ્યા છે. ભકતો રાત્રીના સમયે આરામ કરીને પરોઢિયે ઠંડકના વાતાવરણમાં પ્રસ્થાન કરી શકે. કાળિયા ઠાકોરના દર્શન માટે હજ્જારો- લાખો ભક્તો પોત પોતાની શ્રધ્ધા પ્રમાણે વિવિધ માર્ગો પર આગળ વધી રહયા છે. જશોદાનગરથી હાથીજણ સર્કલના માર્ગે તમામ લોકોએ ખૂબજ સુંદર વ્યવસ્થા ગોઠવી છે

તદઉપરાંત સ્વૈÂચ્છક રીતે પણ લોકો પોતાની શક્તિ મુજબ સેવા આપી રહયા છે. ભક્તિપથ પર ભક્ત-ભક્તિ, સેવાના સુંદર- અદભૂત ત્રિવેણી સંગમના દર્શન થઈ રહયા છે. ભક્તો પોતાની સાથે- સાથે નાના-નાના ભૂલકાઓને પણ લઈ જઈ રહયા છે.

આ અદભૂત દ્રશ્ય જોઈને મનમાં ભક્તજનો પ્રત્યે શ્રધ્ધાની ભાવના જાગૃત થાય છે. ડાકોરના ઠાકર સુધી પહોંચવા નાના-મોટા કષ્ટની ભક્તો ફિકર કરતા નથી. બસ, મને તો મારા “વ્હાલાના દર્શન કરવા છે મારો ભવ પાર તરી જાય.” ભક્તિપથ પર ડાકોર તરફ પ્રયાણ કરી રહેલા હજ્જારો શ્રધ્ધાળુઓને અમારા પણ “જય રણછોડ”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.