સોસાયટીના બંધ મકાનમાંથી 5.74 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ઝઘડિયાના નાનાસાંજા ગામની સોસાયટીમાંથી ભરૂચ એલસીબીની ટીમે કુલ રૂ ૫.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે એક સોસાયટીના બંધ મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા ૫,૭૪,૮૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો.
ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી હોળી ધુળેટીના તહેવારને લઈને જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે
ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતા અલ્પેશ ઉર્ફે અપો વિનોદ વસાવાએ નાનાસાંજા ગામે આવેલ અનુપમનગર – ૦૨ સોસાયટીમાં એક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે.એલસીબીની ટીમે નાનાસાંજા ગામે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરીને ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો
તથા બીયર ટીન મળી કુલ નંગ ૩૩૩૮ કિંમત રૂપિયા ૫,૭૪,૮૦૦ નો જથ્થો ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવા રહે.નાનાસાંજા તા.ઝઘડિયા જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઝઘડિયા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.