આલિયા ભટ્ટે ઇન્ટરવ્યૂમાં ‘જિગરા’ની નિષ્ફળતા સ્વીકારી

મુંબઈ, આલિયા ભટ્ટે અંતે તેની વેદાંગ રૈના સાથેની ફિલ્મ ‘જિગરા’ની નિષ્ફળતા અંગે મૌન તોડ્યું છે. વાસન બાલા દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં આલિયાના અભિનયના તો વખાણ થયા હતા પણ ફિલ્મ ચાલી નહીં. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ આ અંગે કબૂલાત કરી છે.
આલિયાએ કહ્યું, “હું એક પેશનેટ એક્ટર છું અને પ્રોફેશનલ પ્રોડ્યુસર છું. મારા કામને લઇને મારા સપનાં છે, જે મને નથી લાગતું ક્યારેય અટકશે. મને નથી લાગતું હું ક્યારેય જપીને બેસી જઇશ અને મારા મગજની એ વાત મને બહુ ગમે છે.”
આગળ આલિયાએ કહ્યું, “ગયા વર્ષે મારી એક ફિલ્મ રિલીઝ થઈ, જે ખાસ ન ચાલી તેનાથી મને નવો જુસ્સો મળ્યો છે કે હું નવા સપનાં જોઉં અને પ્રયત્ન કરું અને ફરી શરૂઆત કરું. મને તેનાથી નવી ઊર્જા મળે છે. એ જ મારું પ્રોફેશનલ સપનું છે.”
થોડાં વખત પહેલાં એક ઇન્ટરવ્યૂમાં વાસન બાલાએ પણ આ ફિલ્મની નિષ્ફળતા અંગે વાત કરી હતી, તેમણે કહ્યું હતું, “અમે ફિલ્મ મેકિંગના બિઝનેસમાં પણ છીએ તો એ મારી જવાબદારી છે કે, આપણે બોક્સ ઓફિસ પર ચાલે એવી ફિલ્મ બનાવીએ. તેથી મારે થોડું વિચારવાની જરૂર છે. કશુંક તો થયું જ છે.
કશુંક એવું થયું છે કે લોકો ફિલ્મથી દૂર રહ્યાં, કશુંક એવું જે એમને ગળે ઉતર્યું નહીં. કોઈ કલાકાર તમને એમનો સમય આપે છે તો તેનો કઈ રીતે ઉપયોગ કરી લેવો એ તમને ખબર હોવી જોઈએ.”SS1MS