એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ વિશે આઈ-હબ(i-hub) અમદાવાદ ખાતે યોજાયો કૉન્ક્લેવ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરાયું કૉન્ક્લેવનું આયોજન –કૃષિ ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો, MSME અને નાણાકીય સંસ્થાઓને એકસાથે લાવીને નવી તકો ઊભી કરવાનો કૉન્ક્લેવનો ઉદ્દેશ્ય
કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને કેન્દ્રીય યોજનાઓના લાભો વિશે ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સને માહિતગાર કરવામાં આ કૉન્ક્લેવ મહત્વનો સાબિત થશે :- અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્મા
આઈ-હબ(i-hub) અમદાવાદ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માના અધ્યક્ષસ્થાને એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અંગે કૉન્ક્લેવ યોજાયો હતો.
કૉન્ક્લેવમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ભવિષ્ય માટે ધિરાણ પ્રદાન કરવા તથા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઇનનું નિર્માણ કરવા બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
વિવિધ વ્યાખ્યાનો, ચર્ચા સંવાદો તથા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતોને વિવિધ વિષયો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માએ આ કૉન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આઈ-હબ(i-hub) ખાતે આ વર્કશોપ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સ્ટાર્ટ અપ કોમ્યુનિટી અને ખેડૂત મિત્રો એકસાથે આવે અને એકમેક સાથે સંકલન સાધીને આગળ વધે.
વધુમાં વાત કરતા અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકતા એકબીજાના પૂરક છે. ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને માર્કેટિંગ જેવા મુખ્ય ત્રણ વિષયોને સાથે લાવીને એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગકારોને મદદરૂપ થવાનો આ કૉન્ક્લેવનો ઉદ્દેશ છે. આઈ-હબ(i-hub) સ્ટાર્ટઅપના વિચારબીજને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિવિધ રીતે મદદરૂપ બની શકે છે.
કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને કેન્દ્રીય યોજનાઓના લાભો વિશે ખેડૂતો અને સ્ટાર્ટ અપને માહિતગાર કરવામાં આ કૉન્ક્લેવ મહત્વનો સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે જ , તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને ખેડૂતો, સ્ટાર્ટઅપ અને એમએસએમઇ(MSME)ને તેનો મહત્તમ લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે બ્રાંડિંગ અને માર્કેટિંગ દરેક ક્ષેત્રે મહત્વનું છે. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે બ્રાંડિંગ અને માર્કેટિંગની જરૂરિયાત, તેના વિવિધ પાસાઓ અને વિવિધ માર્કેટિંગ મોડેલને સમજવા અને ઉપયોગમાં લેવા જરૂરી છે. ફળો અને શાકભાજીના મૂલ્ય વર્ધન, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ ક્ષેત્રે વધુ સ્ટાર્ટ અપ આગળ આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડીએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ કોન્કલેવ જે કૃષિ પાકો અને પેદાશોમાં વેલ્યુ એડીશન ઓછું છે તેમાં વેલ્યુ એડીશન વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ(AIF) યોજના વિશે માહિતી આપીને તેમણે ઉમેર્યું હતું કે, એગ્રો પ્રોસેસિંગ પ્લેટફોર્મમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કૃષિ ઉદ્યોગકારોને મદદરૂપ થવા સરકાર પ્રયત્નશીલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે વિવિધ FPO તેમજ ઉદ્યોગકારોને ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજીંગ, કોલ્ડ સ્ટોરેજ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે તથા કૃષિ આધારિત ઉદ્યોગો માટે આ યોજના અંતર્ગત સહાય પૂરી પાડવામાં આવે છે. વિવિધ પ્રવૃત્તિઓ માટે બેંક લોન અને સરકારની સબસીડી મેળવવા માટે મદદરૂપ થવા માટે પણ આજના કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવશે.
આ પ્રસંગે ફિશરીઝ ડાયરેકટર શ્રી ડો. એન.કે. મીનાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વેલ્યુ એડીશન અને પ્રોસેસિંગ ખેડૂતોને સારા ભાવો અપાવી શકે છે. તેમણે નાબાર્ડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિગ સ્કીમનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. મરીન ફિશીંગ અને મરીન ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે સ્ટાર્ટ અપ, ઇનોવેશન, એક્સપોર્ટ સહિત વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માહિતી પૂરી પાડી હતી. તેમણે મરીન ફિશરીઝ ક્ષેત્રમાં વેલ્યુ એડીશન અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કૃષિ નિયામક શ્રી પી.એસ.રબારીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સ્થિર અને ટકાઉ વિકાસમાં FPO અને માઇક્રો એન્ટરપ્રાઇઝનો રોલ મહત્વનો બને છે. કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા ઇન્ડેક્સ-A ની રચના કરવામાં આવી છે. પ્રાઇઝ સપોર્ટ સ્કીમ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે પણ સરકાર દ્વારા યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથાઓ વર્ણવી હતી. તેમની સ્ટાર્ટઅપ જર્નીમાં યોજનાકીય સહાયોથી કેવો લાભ મળ્યો તે અંગે તેમણે પ્રતિભાવો રજૂ કર્યા હતા.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કૃષિ-ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો, MSME અને નાણાકીય સંસ્થાઓને એકસાથે લાવીને નવી તકો ઊભી કરવાના ઉદ્દેશ સાથે આ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.
એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજના, પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (PMFME), સ્ટાર્ટ અપ સૃજન યોજના, પીએમ કુસુમ યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આ કૉન્ક્લેવમાં પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે હોર્ટિકલ્ચર ડાયરેકટર શ્રી સી.એમ પટેલ, પશુપાલન નિયામક શ્રી ડો. ફાલ્ગુની ઠાકર, ઇડીઆઇના પ્રોફેસર અને ડાયરેક્ટર શ્રી ડો. સત્યરંજન આચાર્ય, આઇ-હબના સીઈઓ હિરન્મય મહાતો સહિત ખેડૂતો, કૃષિ સ્ટાર્ટ અપ્સ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.