ધોરણ-૫ ના ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારીમાં મદદરૂપ થશે વિડિયો લેક્ચર

અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત નવીન પહેલ
અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની ૬૮૬ શાળાઓમાં વિદ્યાર્થીઓને મળશે વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન
આગામી તારીખ ૨૨ માર્ચના રોજ યોજાનાર ધોરણ ૫ના વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારીમાં મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની youtube ચેનલ પર વિડિયો લેક્ચર પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ જુદા જુદા વિષય નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા એક કલાકના વિડીયો પ્રસારિત કરવામાં આવશે. જિલ્લાની દરેક શાળાઓમાં દૈનિક ધોરણે આ વિડીયો દ્વારા બાળકોને તૈયારી કરાવવામાં આવશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારીમાં બાળકોને નિષ્ણાંત વિષય શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગ્પાલ સિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં શિક્ષા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત આ પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લાની ૬૮૬ શાળાઓના ૪૦,૦૦૦વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારીમાં આ પહેલ મદદરૂપ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓના વિદ્યાથીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા વધે તે માટે મિશન પારમીતા અંતર્ગત શિક્ષા દર્શન પ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યો હતો.