અમેરિકાએ પાકિસ્તાનના રાજદૂતને ઘૂસવા પણ ન દીધા, એરપોર્ટથી જ ડિપોર્ટ કર્યા

(એજન્સી)નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. એવામાં તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ એરપોર્ટ પરથી જ તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. ઈમિગ્રેશન સામે વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગનને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની રાજદૂત વાગન પાસે અમેરિકાના માન્ય વિઝા અને તમામ જરૂરી ટ્રાવેલ ડોક્્યુમેન્ટ્સ હતા અને
તેઓ અંગત મુલાકાત માટે લોસ એન્જલસ જઈ રહ્યા હતા પરંતુ યુએસ ઈમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને એરપોર્ટથી જ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જો કે અમેરિકન પ્રશાસનના આ પગલાને કારણે રાજદ્વારી પ્રોટોકોલ પર સવાલો ઉઠી રહ્યા છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાકિસ્તાન સરકાર તેમને ઈસ્લામાબાદ બોલાવી શકે છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સુલેટને આ મામલે તપાસ કરવા કહ્યંર છે.
પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગન લાંબા સમયથી તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનની વિદેશ સેવામાં છે. તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીથી લઈને લોસ એન્જલસમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલમાં ડેપ્યુટી કોન્સલ જનરલ, મસ્કતમાં રાજદૂત અને નાઈજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેવા આપી છે.