અમેરિકામાં સામાજિક કલ્યાણની યોજનાઓમાં મસ્ક મોટી કાતર ફેરવશે

વોશિંગ્ટન, સામાજિક કલ્યાણની યોજનાઓમાં અમેરિકા સરકાર દ્વારા અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. આ યોજનાઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની હોવાનો દાવો કરીને એલન મસ્કે આ પ્રકારની યોજનાઓ પર કાપ મૂકવાનું અભિયાન ઉપાડ્યું છે.
સામાજિક સુરક્ષા અને કલ્યાણની યોજનાઓમાં સરકારી ખર્ચ પર કાપ મૂકવાની કામગીરીને પ્રાથમિકતા આપવાનો ઈરાદો મસ્કે જાહેર કર્યાે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર અને અબજોપતિ મસ્કે જણાવ્યું હતું કે, આ પ્રકારની યોજનાઓમાં ૫૦૦ અબજ ડોલરથી ૭૦૦ અબજ ડોલર સુધીનો કાપ મૂકવાની જરૂર છે.
યુએસએઈડમાં સંખ્યાબંધ કર્મચારીઓની છટણી તથા સરકારી કર્મચારીઓની સંખ્યામાં કાપ મૂકવાની કવાયતના પગલે મસ્કનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધની અસર મસ્કની કંપની ટેસ્લાની શેર પ્રાઈઝ પર પણ જોવા મળી છે.
આમ છતાં મસ્ક સહેજ પણ મચક આપવા તૈયાર નથી. બિન જરૂરી ખર્ચા પર કાપ મૂકી સરકારી તિજોરીને ભરેલી રાખવા માગતા મસ્કે દાવો કર્યાે હતો કે, સામાજિક સુરક્ષાના ડેટાબેઝમાં બે કરોડ મૃત લોકોને જીવિત દર્શાવવામાં આવ્યા છે. જે અબજો ડોલરના કૌભાંડના સંકેત આપે છે.
સામાજિક સલામતી યોજનાઓની વોચડોગ એજન્સી તરીકે કાર્યરત ઈન્સ્પેક્ટર જનરલે જારી કરેલા રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૫થી ૨૦૨૨ દરમિયાન ૭૧.૮ અબજ ડોલરના ખોટા ચૂકવણા થયેલા છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન અપાયેલા કુલ લાભમાં આ પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે.
જો કે મસ્કને વાસ્તવિક આંકડો ઘણો મોટો લાગી રહ્યો છે. મસ્કના આ દાવાને ફગાવી દેતાં સામાજિક સલામતીના કાર્યકારી કમિશનર લી ડુડેકે કહ્યું હતું કે, જીવિત દર્શાવાલી દરેક વ્યક્તિના નામે લાભ લેવાયા હોય તે જરૂરી નથી. અમેરિકામાં સામાજિક કલ્યાણની યોજનાઓ હેઠળ નિવૃત્તો અને કેટલાક બાળકોને માસિક ભથ્થુ આપવામાં આવે છે.
મસ્કે દાવો કર્યાે હતો કે, ડેમોક્રેકેટ્સે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને આકર્ષિત કરવા અને નિભાવવા માટે કલ્યાણકારી યોજનાઓનું તંત્ર ગોઠવેલું છે. બહારના લોકોને અમેરિકા બોલાવ્યા પછી તેમને સરકારી ખર્ચે સહાયો આપવા અને વોટબેન્કમાં તબદિલ કરવાનો આ કારસો છે.
મસ્કના આ દાવામાં ‘ગ્રેટ રીપ્લેસમેન્ટ થીયરી’ને આડકતરું અનુમોદન અપાયું છે, જેમાં રાજકીય સત્તા વધારવા માટે દેશની વસતીમાં ચોક્કસ વર્ગનું પ્રમાણ વધારવામાં આવે છે.SS1MS