ભક્તિપથ પર સ્વચ્છતાના પ્રહરીઓ અભિનંદનને પાત્ર -દિવસ-રાત સફાઈ કરતા સફાઈ કર્મચારીઓ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” આપણે ત્યાં કહેવત છે. પરંતુ આપણે આ વાતને ભૂલી જઈએ છીએ. જયારે પણ સમુહમાં લોકો એકઠાં થાય ત્યાં સ્વચ્છતાના માપદંડમાં આસમાન-જમીનનો ફરક આવી જાય છે. જશોદાનગરથી હાથીજણ સર્કલના માર્ગ પર મોટી સંખ્યામાં પ્રસાદી માટે શમિયાંણા ઉભા કરાયા હતા.
જયાં નાસ્તો, પાણી, ચા-કોફી, ભોજન સહિતની સુવિધા હતી. કાગળની ડીશમાં નાસ્તો કરીને તેને નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા હોય છે છતાં ઠાકોરજીના ભક્તો તેનો ઉપયોગ કરતા ન હતા. રસ્તા પર ઠેર ઠેર કાગળની ડીશો કચરો રોડ પર જોવા મળતો હતો.
પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વ્યવસ્થાપન તંત્ર સતર્ક હતું, ખાસ તો કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ ધન્યવાદને પાત્ર છે કારણ કે સતત તેઓની કચરો ઉપાડવાની ગાડી રાત્રે ફરતી જોવા મળતી હતી. વહેલી સવારે તો બધો કચરો ઉપાડી લીધો હોય અને રસ્તો ચોખ્ખો ચણક થઈ જાય. વહીવટી તંત્રને લોકો અભિનંદન આપે છે. તે આવશ્યક છે પરંતુ પેલા સફાઈ કામદારોનું શું ? જેઓ સતત કામ કરે છે. રાત્રે કચરો લેવા આવે છે.
સ્વચ્છતાના આ પ્રહરી માત્ર ધન્યવાદને નહી પરંતુ ઈનામ મેળવવાને પાત્ર છે. તેઓ માત્ર આ પ્રકારે ધાર્મિક કાર્યક્રમમાં નહી રોજીંદા સરસ કામગીરી કરે છે તેમના પર સુપરવાઈઝન થાય છે તે સૂચક છે. સ્વચ્છતા માટે તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આગ્રહી હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તો સ્વચ્છતા અભિયાન પણ શરૂ કરાવ્યું છે.
કોર્પોરેશન જેવા સજ્જ વહીવટીતંત્રએ તો સારી કામગીરી કરતા કામદારોને પુરસ્કૃત કરવા જોઈએ જેથી તેમનો ઉત્સાહ જળવાઈ રહે, સફાઈ કરવાનું કામ સહેલુ નથી. લોકો ખાવાનું ખાઈ- પાણી પીને ગમે ત્યાં ડીશો, બોટલો નાંખી દે છે
આ તમામ કચરાને વાળીને એકત્રિત કરવો પડે છે. ભક્તિપથ પર સ્વચ્છતા માટે કામ કરતા સ્વચ્છતાના પ્રહરી ખરેખર ભગવાનના દૂત સમાન છે. કારણ કે સ્વચ્છતછાનું કામ તેઓ કરે છે અને સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે તેવુ આપણે ત્યાં કહેવાય છે.