ગુજરાત બાર કાઉન્સિલના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન સહિત ૬ને થઈ આ કારણસર સજા

જૂનાગઢમાં ૧૯૯પમાં રાજ્યનું સૌથી મોટું રૂ.૧ર૬ કરોડનું કૌભાંડ થયું હતું -બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં છ આરોપીને ૩૦ વર્ષ બાદ ૩ વર્ષની સાદી કેદની સજા ફટકારાતા ભારે ચર્ચા
(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢની કોર્ટે આજે ૩૦ વર્ષ પહેલાંના એક કેસમાં ગુજરાત બાર કાઉન્સિલના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન મુકેશ કામદાર સહિત છ આરોપીને ૩ વર્ષની સાદી કેદની સજા ફટકારતા ભારે ચર્ચા જાગી છે. ૧૯૯પની સાલમાં રાજ્યનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું હતું જે ચર્ચાસ્પદ કેસમાં આખરે આજે ચુકાદો આવ્યો છે.
જૂનાગઢના આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ગત ૧૬ જુલાઈ ૧૯૯પના રોજ વંથલી મામલતદાર એમી.બી.સોનીને પ્રાંત ઓફિસમાંથી ટેલિફોનિક સૂચના મળી હતી કે, જૂનાગઢના કાળવા ચોકમાં આવેલ વિશાલ ટાવરમાં શાપુર ગામની શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ અને ઉમિયા ઈન્ડસ્ટ્રીઝના નામે ખોટા બિલો બનાવીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેના આધારે મામલતદાર સહિતની ટીમે સ્થળ પર રેડ કરી હતી.
અહીં દુકાન નં.૧૦૭(એ) જે બંધ હતી અને બાજુમાં આવેલ દુકાન નં.૧૦૭(બી)માં જ્યાં મુકેશ ચુનીલાલ ઉર્ફે ચીમનલાલ કામદાર બેઠા હતા તે અરસામાં અન્ય ટીમો દ્વારા દોલતપુરામાં આવેલી ભવનાથ સેલ્સ કોર્પોરેશન, જયનાથ સીડસ કોર્પોરેશન અને યોગેશ ઈન્ડસ્ટ્રીઝમાંથી શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ અને ઉમિયા ઈન્ડસ્ટ્રીઝના બિલ અને ગેટ પાસ મળી આવ્યા હતા
જેમાં આરોપી તરીકે મુકેશ કામદાર, રસિક દવે, કિરીટ ગોકળ સાવલિયા, બાબુભાઈ શંભુભાઈ રાખોલિયા, અશ્વિન રતિલાલ વાઘેલા અને દિનેશકુમાર વીરાભાઈ વીરડા તેમજ ભરત રતિલાલ સૂચક, સતીષ રમેશચંદ્ર વીરડા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.