Western Times News

Gujarati News

માતૃવત્સલતાનું અનોખું ઉદાહરણઃ માતાની કિડની દાનથી બચ્યો દીકરાનો જીવ

(માહિતી) વડોદરા, કિડની દિવસ નિમિતે માતૃસ્નેહનું ઉદાત્ત ઉદાહરણ સમક્ષ આવ્યું છે. રાજસ્થાનના ઝાલોર અને ગુજરાતના ગોધરામાંથી આવેલ બે યુવાન દર્દીઓને તેમની માતાએ કિડની દાન કરી જીવનદાન આપ્યું છે. બંને યુવાઓની વડોદરા શહેરના ર્સ્ટલિંગ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી અને હવે બંને યુવાનો સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે.

રાજસ્થાનના ૪૨ વર્ષીય દર્દીએ પોતાના મમતા ભર્યા દિલથી કહ્યું કે, ‘મારી માતાએ મને નવો જન્મ આપ્યો છે. તેમના પ્રેમ અને ત્યાગની સરખામણી કોઈ વસ્તુ કરી શકે નહીં.’ ગોધરાના ૨૨ વર્ષીય યુવાને પણ માતૃસ્નેહની વ્યાખ્યા ઘડી હતી, ‘મારા જીવનના સંકટમાં માતાએ જે મજબૂત સહારો આપ્યો તે કોઈપણ શબ્દોથી વ્યક્ત કરી શકાય તેમ નથી. હવે હું મારા અભ્યાસ અને ભવિષ્યના સપનાની પૂરતીઘટ માટે વધુ પ્રતિબદ્ધ છું.’

ર્સ્ટલિંગ હોસ્પિટલના નિષ્ણાતોએ જણાવ્યું કે, ‘કિડની રોગો અંગે જાગૃતિ અને સમયસર તપાસ અત્યંત આવશ્યક છે. સમયસર નિદાન થતા રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બને છે.’ હોસ્પિટલ દ્વારા વિશ્વ કિડની દિવસ નિમિત્તે એક અઠવાડિયા લાંબા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સાયક્લોથોન, જ્ઞાન-શેરિંગ સત્રો અને ચિત્ર પ્રદર્શન જેવા કાર્યક્રમો શામેલ હતા.

ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીઓએ પોતાની જીવનયાત્રાની વ્યથા અને વિજયની વાર્તાઓ પણ વ્યક્ત કરી હતી અને પોતાનાં પરિવારજનો તથા ડોકટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ર્સ્ટલિંગ હોસ્પિટલના નિષ્ણાતોએ ખાસ કરીને ક્રોનિક કિડની રોગ અંગે માહિતી આપી અને લોકોને નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની સલાહ આપી. ‘કિડની રોગના પ્રારંભિક ચિહ્નો અવગણવા નહીં, કારણ કે સમયસર તપાસ અને સારવાર જ જીવન બચાવવાનો મજબૂત માર્ગ છે,’ તેમ નિષ્ણાતોએ જણાવ્યું.

આ પ્રસંગે લોકોને આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત થવાની અને આરોગ્યને સર્વોપરી માનવાની સલાહ આપવામાં આવી હતી. અંતે, માતૃસ્નેહ અને ત્યાગના આ અમૂલ્ય ઉદાહરણો માત્ર એક પરિવારને જ નહીં, પણ સમગ્ર સમાજને જીવનની કિંમત સમજાવતા પ્રેરક પ્રસંગો સાબિત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.