પ્રતિમાસ ધોરણ-૬ થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ. ૨૭૩ મધ્યાહન ભોજનનો ખર્ચ

પ્રતિકાત્મક
મધ્યાહન ભોજનમાં હવે લીલા શાકભાજી-સીંગતેલનો કરાશે ઉપયોગ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ૧૩ માર્ચ, ૨૦૨૫ ગૃહમાં મધ્યાહન ભોજન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં સવાલના જવાબ આપતા મધ્યાહન ભોજન પાછળ થતાં ખર્ચ અને આગામી સમયમાં ફેરફારો કરવા અંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે વાત કરી હતી.
આ દરમિયાન આગામી આયોજન અંગે વાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો છે.
હવે કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરાશે.’ જો કે, હવે તેનો અમલ થાય છે કે નહીં તે તો જોવું રહ્યું.રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરવામાં આવેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, ‘૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં રૂ. ૧૧૪૬.૧૨ કરોડ અને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૦૭૩.૫૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, ‘૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિ માસ રૂ. ૧૫૬.૭૮ અને ધોરણ ૬ થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ. ૨૨૦.૨૨નો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ જ પ્રકારે, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ ૫ના બાળક માટે પ્રતિમાસ રૂ.૧૯૧.૬૨ અને ધોરણ-૬ થી ૮ના બાળક માટે પ્રતિ માસ રૂ. ૨૭૩નો ખર્ચ કરવામાં આવ્યો છે.
‘મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, ‘મધ્યાહન ભોજન માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે ૬૦ ટકા અને ૪૦ ટકાનો હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટીરીયલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ, નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. ૬.૧૯ અને ધોરણ ૬ થી ૮ના પ્રતિ વિદ્યાર્થી રૂ. ૯.૨૯ દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વધારાનાં ખાધતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ ૫ માટે રૂ. ૨ અને ધોરણ ૬ થી ૮ માટે રૂ. ૨.૩૭ દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવેલ છે.’
મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, ‘હાલ બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂ. ૮.૧૯ અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીદીઠ કુલ રૂ. ૧૧.૬૬ દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન છે.’