રાજગરાનું તેલ વિમાનનાં સ્પેરપાર્ટ્સ, કોમ્પ્યૂટર વગેરેમાં વપરાય છે

ડીસાના રાજગરાની અમેરિકા, જર્મની અરબ સહિત ૧૦થી વધુ દેશમાં માંગ -રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન હોય છે.
કાંકરેજ, ડીસા એપીએમસીના ઈતિહાસમાં પ્રથમવાર રાજગરાની ઐતિહાસિક આવક, બનાસકાંઠા જિલ્લાની ડીસા એપીએમસીમાં હાલમાં રાજગરાની દૈનિક પાંચ હજારથી વધુ બોરીની આવક સામે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક થઈ છે. ડીસા- બનાસકાંઠાના રાજગરાની માંગ યુએસ, જર્મની તેમજ અરબ સહિતના ૧૦થી વધુ દેશોમાં છે.
ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના સેક્રેટરી એ.એન. જોષીએ જણાવ્યું હતું કે, ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ લાખ બોરીના ઉત્પાદન સામે એકમાત્ર ડીસા એપીએમસીમાં જ વર્ષ દરમિયાન ૧.પ૦ લાખ કરતાં વધુ બોરીની આવક નોંધાઈ રહી છે તેમજ ચાલુ વર્ષે ડીસા એપીએમસીના ઈતિહાસમાં સૌથી વધુ ઐતિહાસિક આવક એટલે કે દૈનિક પાંચ હજાર કરતાં વધુ બોરીની આવક રાજગરાની થઈ રહી છે.
રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન હોય છે. ઘઉંના દાણામાં ૧રથી ૧૪ ટકા પ્રોટીન જયારે રાજગરાના સૂક્ષ્મ દાણામાં ૧૬ ટકા પ્રોટીન હોય છે. આમ રાજગરામાં ઘઉં, દુધ અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે. રાજગરાનું તેલ વિમાન સહિતના સ્પેર પાર્ટસ અને દવામાં ઉપયોગ થાય છે.
રાજગરામાં ૮ ટકા તેલની માત્રા હોય છે, જે તેલ વિમાન, કોમ્પ્યૂટર તેમજ સ્પેરપાર્ટસમાં ઓઈલિંગ તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાજગરાનું તેલ હદયના ઈન્જેકશનની દવા તેમજ લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા બેસ્ટ ઔષધિય મનાય છે.